મૃતકના પરિજનોના ડીએનએ સેમ્પલના આધારે ઓળખ મેળવી પાંચ દિવસમાં તમામ મૃતદેહ સ્વજનોને સોપાયાં
રાજકોટમાં બનેલો અત્યંત દુ:ખદ બનાવ એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ. આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે જેમાં 30થી વધુ લોકોએ તેમના પરિજનોને ગુમાવ્યા છે. એક સાથે 30થી વધુ લોકોના જીવ મિનિટોમાં ભસ્મીભૂત થયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદયકંપી રુદનથી હોસ્પિટલની દીવાલો ધ્રુજી ઉઠી છે. લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો એટલી હદે બળ્યા હતા કે તેમની ઓળખ થવી અતિ મુશ્કેલ છે. મૃતકોના પરિવારજનોના ડીએનએ મેચ કર્યા બાદ મૃતદેહો સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.કુલ મૃતદેહોમાંથી છ મૃતદેહો એવા છે કે જેની ઓળખ કરવી પણ અતિ મુશ્કેલ છે. ગાંધીનગર એર એમ્બ્યુલન્સના માધ્યમે એફ.એસ.એલ ને ડીએનએ રીપોર્ટના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. એ સેમ્પલ જેમ જેમ મૃતકના સ્નેહીજનોના ડીએનએ સાથે મેચ થતાં ગયા એ મુજબ મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આગ કાંડમાં મૃત્યુ પામેલા કુલ 27 જેટલા લોકોના મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા.
એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવ્યા છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયાબ મામલતદાર અને પીએસઆઇ સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગેમઝોનમાંથી મળી આવેલા માનવઅંગોની ઓળખ હજુ બાકી
ગેમઝોનમાં બળીને ખાખ થનારા 27 મૃતદેહની ડીએનએ સેમ્પલથી ઓળખ મેળવીને હતભાગીઓના પરિજનોને મૃતદેહની સોંપણી કરી દેવામાં આવી છે પરંતુ ગેમઝોનમાંથી મળી આવેલા માનવ અંગોની ઓળખ હજુ થઇ શકી નથી. આ તમામ માનવ અંગો કોના છે? મૃતદેહમાંથી જ અલગ પડ્યા છે કે પછી આગમાં ભસ્મિભૂત થઇ ગયેલા મૃતકોમાં અમુક અંગો જ અવશેષ સ્વરૂપે બચ્યા છે કે કેમ? આ તમામ દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આ પેચીદી બાબતમાં સચોટ તારણ કાઢવું એફએસએલ માટે પણ પડકાર બને તેવું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં મળી આવેલા તમામ 27 મૃતદેહ તેઓના સ્વજનોને સોંપવામાં આવેલ છે.હતભાગીઓના પરિવારને મૃતદેહ સોંપાયા તે મૃતકોની યાદી