આ પેહેલા એલન બોર્ડર લાગલગાટ ૧૫૩ ટેસ્ટ મેચ રમાય હતા જયારે માર્ક વો ૧૦૭,ગાવસ્કર ૧૦૬ અને મેકુલમ ૧૦૧ ટેસ્ટ મેચ સળંગ રમ્યા છે
ઇંગ્લેન્ડના ઓપનર ઍલસ્ટર કુકે સતત ૧૫૩ ટેસ્ટ-મેચ રમવાના ઑસ્ટ્રેલિયન-ગ્રેટ ઍલન બોર્ડરના વિશ્ર્વવિક્રમની ગુરુવારે બરાબરી કરી હતી. કુક અહીં પાકિસ્તાન સામે ગુરુવારે શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે મેદાન પર ઊતરતાં જ બોર્ડરની હરોળમાં આવી ગયો હતો. બોર્ડરની જેમ કુકને પણ સિલેક્ટરોએ ક્યારેય ઇંગ્લેન્ડની ટેસ્ટ-શ્રેણીમાંથી બાકાત ન કરતા તે સતત ૧૫૩ ટેસ્ટ રમ્યો છે.
કુકની અત્યારે ૧૫૫મી ટેસ્ટ ચાલે છે. ૧ માર્ચ, ૨૦૦૬ના દિવસે નાગપુરમાં ભારત સામેની મેચથી ટેસ્ટ-ક્રિકેટમાં બાવીસ વર્ષની ઉંમરે ટેસ્ટ-પ્રવેશ કર્યો હતો. કરિયરની એ પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે સદી ફટકારી હતી. જોકે, ત્યાર બાદ મોહાલીની બીજી ટેસ્ટમાં રમ્યા બાદ બીમારીને લીધે તે સતત ત્રીજી ટેસ્ટ નહોતો રમી શક્યો. બીમારીમાંથી બહાર આવ્યા બાદ તે ઘરઆંગણે શ્રીલંકા સામેની ટેસ્ટ-શ્રેણીથી ફરી રમવા લાગ્યો હતો અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તે એકધારી ૧૫૩ ટેસ્ટ રમ્યો છે. તેમના પછી બીજા નંબરે માર્ક વો છે. તે એકધારી ૧૦૭ ટેસ્ટ રમ્યો હતો. સુનીલ ગાવસકર ૧૦૬ ટેસ્ટ સાથે ત્રીજા નંબરે અને બ્રેન્ડન મેક્લમ ૧૦૧ ટેસ્ટ સાથે ચોથા નંબરે છે.
ખુદ ૬૨ વર્ષીય બોર્ડરે ગુરુવારે તેને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે સતતપણે ૧૫૩ ટેસ્ટ રમવાના મારા વિક્રમની નજીક કોઈ પહોંચી રહ્યું છે એવો મને ખ્યાલ જ નહોતો. કુકે મારી બરાબરી કરી એ જાણીને મને ખૂબ આનંદ થયો છે. મારી દૃષ્ટિએ આ અદ્ભુત બાબત કહેવાય. હું કુકને અંગત રીતે બરાબર ઓળખતો નથી, પણ હું વર્ષોથી તેનો ફેન તો છું જ. તેની જેમ એસેક્સ કાઉન્ટી સાથે મારું પણ કનેક્શન છે. તેની જેમ હું પણ એસેક્સ વતી રમ્યો છું. નિવૃત્તિ પછી હું એસેક્સ ક્લબ સાથે જોડાયેલો છું અને મેં તેની પ્રગતિને બહુ નજીકથી જોઈ છે. સતતપણે ફિટ રહેવું અને એકધારી ૧૫૩ ટેસ્ટ-મેચ રમવી એ કમાલ કહેવાય. હું તો માનું છું કે કુક હજી થોડા વધુ વર્ષ રમી શકે એમ છે.
કુક અને બોર્ડર વચ્ચે બીજા પણ કેટલાક સામ્યો છે. બોર્ડરની માફક કુક પણ લેફ્ટ-હેન્ડ બેટ્સમેન છે. બન્નેએ પોતપોતાના દેશ વતી ટેસ્ટ-ક્રિકેટમાં ૧૧,૦૦૦ કરતાં વધુ રન બનાવ્યા છે તેમ જ કેપ્ટન્સીમાં પોતપોતાના દેશની ટીમને ઍશિઝ સિરીઝ જિતાડી છે. તેમણે પોતપોતાના સમયમાં એસેક્સ કાઉન્ટી ટીમને કાઉન્ટી ચેમ્પિયનશિપ પણ જિતાડી આપી છે. બોર્ડર ૧૯૯૪માં ૧૫૩મી ટેસ્ટ રમેલા ત્યારે કુક માંડ ૧૦ વર્ષનો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com