પદાધિકારીઓ અને નગરસેવકો સતત કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશને હાજર: સ્થળાંતરીત કરાયેલા હજારો લોકો માટે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા: સરકારની સુચના મળ્યા બાદ સ્થળાંતરીત લોકોને ઘરે પરત મોકલાશે: ઊચ્ચ અધિકારીઓની 18 ટીમો સતત ફિલ્ડમાં ખડેપગે
વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે. વાવાઝોડુ આજે બપોર બાદ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાથી પસાર થશે. ગુજરાતમાં એન્ટર ન થવાનાં કારણે વાયુની વિનાશકતાની ઘાટ લગભગ ઓસરી જતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ઘાટ ઓસરી હોવા છતાં મહાપાલિકાનું તંત્ર સતત એલર્ટ છે. કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને નગરસેવકો કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશને સતત હાજર છે. સ્થળાંતરીત કરાયેલા હજારો લોકો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજય સરકારની સુચના ન મળે ત્યાં સુધી સમગ્ર તંત્ર એલર્ટ રહેશે તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.
આજે સવારે શહેરમાં હળવો વરસાદ પડયા બાદ એકંદરે વાતાવરણ શાંત છે. વાવાઝોડાનો ખતરો પણ મોટાભાગે ટળી ગયો છે છતાં સરકારની બીજી સુચના ન આવે ત્યાં સુધી મહાપાલિકાનું તંત્ર એલર્ટ રહેશે. આજે કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ અલગ-અલગ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનો ખાતે હવાલો સંભાળી લીધો હતો. લોકોની ફરિયાદનો ત્વરીત નિકાલ કરવામાં આવતો હતો. શહેરમાં સાતેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાની વીજ પુરવઠો ખોરવાયો હોવાની ફરિયાદ મળતાં તેનો નિકાલ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં 7900 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે સવારે વાવાઝોડાની અસર ઓસરતાં લોકોને ઘેર જવાની છુટ આપવામાં આવી છે છતાં જયાં સુધી સરકાર દ્વારા સુચના આપવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર તંત્ર એલર્ટ પર રહેશે.