ચક્રવાત સોમવારે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં વધુ તીવ્ર બની મધ્ય બંગાળની ખાડી તરફ ધકેલાશે : 40થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા
એપ્રિલ અને મે મહિનામાં દેશમાં વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. દરમિયાન, હવામાન વિભાગએ કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારો અને અન્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે ’8 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે.’ ચક્રવાતી તોફાનનું નામ મોચા છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશાને પણ તેની અસર થશે. હવામાન વિભાગ અનુસાર, રવિવારથી બુધવાર સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દરમિયાન આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ભારતના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પવનની ઝડપ 70ને પણ પાર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને તે 10 મેથી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે થવાની શક્યતા છે.
ઓડિશા સરકારે ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને 18 દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના કલેક્ટરને કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, સોમવારે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં તે વધુ તીવ્ર બને તેવી શકયતા છે. આ પછી, તે મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ વધુ તીવ્ર થવાની સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ’રવિવારે નીચા દબાણવાળા વિસ્તારની રચના પછી સિસ્ટમની ગતિ અને અન્ય પરિમાણો પ્રદાન કરી શકાય છે.’
બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, કટક અને પુરી સહિત ઓડિશાના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ જિલ્લાઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. લોકોને હવામાન જોવા અને વાવાઝોડા દરમિયાન સલામત આશ્રય લેવા અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સલાહનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.