આણદે વાતવાતમાં કડવાં વેણ કરી નાખતી અને નાગવાળો ઝેરનો ઘૂંટડો પીને પચાવી જતો. એના મનમાં એમ હતું કે ચારછ મહિને બધું રાગે પડી જશે..

ગોરી નાગમદે !

ધમ્મરવાળાનાં ફૂલ પધરાવીને આવ્યા પછી નાગવાળાનું મન ભારે શાંત પડી ગયું હતું. ચહેરા પરની ઉદાસીનતા અળગી થઈ ગઈ હતી. રાજકાજમાં તે રચ્યોપચ્યો રહેતો. નાનામોટા દરેક કામમાં પોતે જ રસ લેતો થઈ ગયો હતો. સીમાડાના નાના મોટા ઝઘડા પણ તે જાતે જઈને પતાવતો.

ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ગયો હતો… વૈશાખનો ધોમ ને ધીંગો તાપ પૃથ્વીને અકળાવી રહ્યો હતો . ગરમાં ને ગરના કંઠાળ પ્રદેશમાં વસનારાઓને ગ્રીષ્મના ઉત્તાપનો મોટો માર સહેવો પડતો નહોતો. કારણ કે આ પ્રદેશની રાત ભારે શીતળ ને સોહામણી બની જતી હતી.

પરંતુ નાગવાળાના હૈયામાં એક અસંતોષ રહી ગયો હતો. પત્ની રૂપાળી હતી  પણ હૈયાની કઠોર હતી. વાતવાતમાં મોઢાનો રંગ ફરી જાય… અને હવે તો તેણે દરબારગઢના દરેક નોકર ચાકરે પર કડપ રાખવા માંડ્યો હતો. બાની રજા વગર ખંડનું એક તણખલું પણ બા’રું જઈ શકતું નહોતું. આ જોઈને એક દી ફઈબાએ કહ્યું :  ‘આલણ , તું આવે દાખડો શું કામ કરે છ?’

‘ફુઇ, હવે હું નજર નઈ રાખું તો કોણ રાખશે ? બધાં ગોલાં વારે વારે ચોરીપીથી ઘી, ગોળ, લોટ વગેરે લઈ જતાં હતાં. દરબાર તો ભોળાનાથ જેવો છે…. આપની અવસ્થા થઈ ને હવે આપના માથે આવો બોજો રાખવો એ મનેય કીમ શોભે ?’

‘મારું કેવું એમ હતું કે એકાદ બાળક ખોળામાં રમતું થાય પછી…’

વચ્ચે જ આલગ્નદેએ કહ્યું : ‘ફુઈ, તમારી વાત સાચી છે …. પણ નવરી બેસીને કરું યે શું ? દરબાર તો શિરાવીને નીકળી જાય છે તે છેક થાક્યા પાક્યા રાતે આવે છે, તમે એને કાંક સમજાવોને ! કામદાર છે … બીજા બે માગ્રસો છે ઈ શું કામના છે ?’

ફઈબાએ પ્રસન્ન નજરે આલણદે સામે જોયું અને કહ્યું :  ‘તારી

વાત સાચી છે … મારે નાગને પણ કે’વું પડશે.’

આમ, થોડા જ દિવસમાં આલદેએ દરબારગઢનો તમામ વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો …. એટલું જ નહિ પણ, કામદારને બોલાવીને કેટલીક સૂચનાઓ આપવા માંડી હતી.

આણંદેનો સ્વભાવ કંઈક શંકાશીલ, કંઈક ખુમારીવાળો ને કંઇક હુંપદભર્યો હોવાથી દરબારગઢનો દરેક માણસ ડરી ડરીને ચાલવા માંડ્યો.

એક વાર સવલાને ગોળનાં ચાર ભીલાં સાથે પકડ્યો હતો. એને કડક ચેતવણી આપવામાં આવી હતી કે, બીજી વાર જે આવું કરીશ તો દરબારગઢમાં પગ મૂવો ભારે થઈ જશે.

સવલો સમસમીને બેસી રહ્યો. દરબારને પણ વાત કરી શક્યો  નહિ.

આલણો અને નાગવાળાના ગૃહસંસારમાં મીઠપનો અભાવ હતો. આણદે વાતવાતમાં કડવાં વેણ કરી નાખતી અને નાગવાળો ઝેરનો ઘૂંટડો પીને પચાવી જતો. એના મનમાં એમ હતું કે ચારછ મહિને બધું રાગે પડી જશે..

પણ નાગવાળાની ઉપેક્ષાવૃત્તિથી આલણદેની સત્તા વધવા માંડી. નાગવાળાનું ધૈર્ય અજોડ હોવા છતાં ઘણી વાર તે મનથી અકળાઈ જતો અને આલણદેને સમજાવવા જતાં પાછો પડતો . છેવટે તેણે મનથી એમ માન્યું કે , ભગવાનની જેવી મરજી હોય તેવું જ બને છે ! મનગમતો સથવારો તો જેના પર દયાળુની કૃપા હોય તેને જ મળે ! હવે તો જે છે એને નભાવી રાખવામાં જ શોભા છે !

દરબારગઢની ગૌશાળામાં બસો જેટલાં ઢોરઢાંખર હતાં . દૂઝાણુ પણ સારું હતું . આજ પર્યંત ગોવાંતી દૂધ દોહીને આપી જતો ને દરબારના માણસો છાશ વલોવીને માખણની તાવણ મૂકી જતા.

પણ આલણદેએ આ વ્યવસ્થામાં ફેરફાર કરી નાખ્યો . ગાયું ભેંસ દોવાય ત્યારે મીઠીને ત્યાં ઊભી રાખવામાં આવતી ને છેક માખણ તવાઇ ને ઘી થાય ત્યાં સુધીની દેખરેખ રાખવામાં આવતી.

આમ થવાથી બેચાર બોધરણાં દૂધ વધારે આવતું ને ચોરી છૂપીથી છાશ હાર્ષે માખણ જતું અટકી ગયું.

નાગવાળાને આ વાતની ખબર પડી એટલે તેણે પત્નીને કહ્યું,  ‘આલણ , આપણે ક્યાં ઘી, દૂધની તાણ હતી કે તારે આટલી માથાકૂટ કરવી પડે ?’

‘તમને શું ખબર પડે, દરબાર ? દૂધ, ઘી, માખણ કે બીજી કોઈ વસત માગીને ગમે ઈ લઈ જાય … એમાં મારું મન સાંકડું નહિ થાય ! પણ ચોરીને કે છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કે’વાય ઈ કેમ બનવા દેવાય ? અઠવાડિયા પહેલાં રોજનું સાત શેર ઘી ઊતરતું’તું … આજ તપાસ કરજો …. રોજનું અધમણ ઘી ઊતરે છે !  ’

‘અધમણ ઘી ?’  નાગવાળો અવાક્ થઈ ગયો.

‘હા … ફઈબાને જ પૂછજો ને ?’

નાગવાળો વધુ કંઈ ન બોલ્યો . તેણે જ્યારે ફઈબાને આ અંગે પૂછ્યું ત્યારે ફુઈએ હસતાં હસતાં કહ્યું :  ‘આલણ સ્વભાવની ભલે તીખી રઈ … પણ છે ભારે નજરવાળી ને ચોક્કસ ! દરબારગઢનાં બધાંય માણસો સાવ બેપરવા બની ગયાં હતાં … આલણે એવો કોરડો વીંઝ્યો છે કે હવે કોઈ નવરું બેસતું નથી. પહેલાં સાતઆઠ શેર ઘી ઊતરતું’તું . હવે અધમણ જેટલું ઘી ઊતરે છે ! અને કોની માએ શેર સૂંઠ ખાધી છે કે આલણની આંખ આંજીને એક છાણું ય લઈ જાય ! મને એટલો તો સંતોષ થીયો છે કે આલણને કોઈ બનાવી નઈ જાય ! ’

નાગવાળાએ કહ્યું : ‘ ફુઈ, કોઈને દુ:ખ થાય, કે આપણે ક25ણ કે’વાઈએ એવું તો નથી બનતું ને ?’

‘જો ભાઈ, આજ સુધી ચોરીને ખાનારા માણસો તો આલણની નિંદા જ કરશે … એથી કાંઈ કરપણ નોં કે’વાય …’

‘સારું…’  કહીને નાગવાળો ડેલીએ ગયો.

આમ, મનમેળ વગરનો સથવારો ચાલ્યા કરતો હતો. અને સરિધાર પાસે પડેલા આયરોના નેસમાં નાગમદેનું રૂપયૌવન ઉત્તરોત્તર અફાટ બની રહ્યું હતું.

બધા આયરોએ નક્કી કર્યું હતું કે વાગડમાં વરસાદના સમાચાર આવે પછી અહીંથી પાછું ફરવું … મરવા પડેલાં માલઢોર અહીં આવ્યા પછી નરવાં ને ધીંગાં થઈ ગયાં હતાં.

રોજના આઠ દસ ડબા થી થાતું હતું અને ગાડામાં નાખીને શેઠને

ત્યાં અપાઈ જતું હતું. કોઈ વાતની તાણ નહોતી. સરગાપરનું સુખ છવાઈ ગયું હતું.

અને નાગમદેનું શરીર

નાગમ, તારાં શરીર’

જાણે બીજો સૂર,

ઝબકે મુખડે નૂર

અલબેલા જોબનભર્યા;

નાગમદેની કાયા એટલે તો બીજો સૂર્ય ! અને એના વદન પર એવાં યૌવનછબ્યાં અલબેલાં તેજ રમે છે કે જે કોમળતા સૂરજમાં નથી તે નાગમદેના વદન પર ઝબકે છે!

કામણગારી દેહ,

નેણાં કુમકુમ લોળ;

હૈયું હલે હિલોળ;

નાગમ મૂલ મપાય નઈં,

નાગમદેની કાયા તો કોઈ કામણગારી છે … યૌવનના રંગથી કંકુવરણાં બનેલાં નયનો ખુમારીભર્યાં લાગે છે. હૈયું તો જાણે યૌવનના હિંડોળે ઝૂલી રહ્યું છે … નાગમના રૂપની કિંમત આંકી ન શકાય એવી અજોડ છે !

ડો’ળી દનિયાં બધી,

પણ નાગમ વા’વડેલ નઈં;

એનો ય જોટો એક

અમને જડેલ નઈં.

આખી દુનિયા ડો’ળી મારો, પણ નાગમદે જેવી સુંદરીનો જોટો નિહ જડે..અર્થાત નાગમદે સર્વશ્રેષ્ઠ સુંદરી છે … !

મીઠી મોહક ચાલ,

ઓળા પડતા રૂપના;

નાગમટે નઈં બાળ,

આભેથી અપસરા ઊતરી.

નાગમદેની ચાલવાની ગતિ મીઠી અને મોહક છે. સહુની કાયાના પડછાયા પડે. પણ નાગમદેનાં તો રૂપના ઓળા પડતા હોય છે. ઈ કાંઈ

સાધારણ બાળકી નથી કે માનવ ક્ધયા નથી. . . પણ આભમાંથી ઊતરેલી અપ્સરા છે … કોઈ દેવક્ધયા છે.

નાગમદે ગોરી ઊજળી,

સોટા જેવું શરીર;

ચળતા ધીર ને વીર,

ઈ નજરું નાખી જાય નઈં,

તેનો વાન ગોરો, ઊજળો છે. તેનો દેહઘાટ સીધો સોટા સમો છે. એના દેહ સૌષ્ઠવ્યને જોઈને મોટા ધીરજવાન ને વીરપુરુષો પણ મનથી ચલિત થઈ જાય. અર્થાત્ એના રૂપ પર મીટ માંડી શકાતી નહોતી.

કાયા કોમળ વેલ,

રંજે રિસામણી સાંભળે;

વે’તી રૂપા રેલ,

નાગમદેના નેસમાં

નાગમદેની કાયા કોમળ વેલડી જેવી છે. એને જેતાં જ લાગણીપ્રધાન તત્ત્વવાળી લજામણી યાદ આવે. લજામણીના છોડને કોઈનો હાથ અડે તો એ ગૂંચળું વળી જાય.

રિસામણીને અન્યનો સ્પર્શ ગમે નહીં. નાગમદે પર પણ કોઈની નજરુંનો સ્પર્શ થાય નહીં. વળી, જ્યાં નાગમદેનો નેસ હોય … તે જ્યાં રહેતી હોય ત્યાં રૂપની સરિતા જ વહેતી હોય ! અર્થાત્ જ્યાં નાગમદે ત્યાંનું વાતાવરણ પણ સૌંદર્યથી સભર બનેલું.

કંકુભર્યાં પગ તળાં ને હીરા રોકાં રૂપ;

માણેક જેડા નખ સોહતા, નાગમ નમાવે ભૂપ

નમાવે ભૂપ તે લળી,

પગ આંગળીઓ ચંપાકળી

ફરતી કેસરવરણી કળા, ને કંકુભર્યાં પગતળાં.

નાગમદેનાં પગનાં તળિયાં જાણે કંકુભર્યાં છે. એનાં રૂપ તો જાણે અણમૂલ હીરા જેવાં … કદી ઝાંખાં ન પડે એવાં તેજોમય. લાલ રંગના આછા માણેક જેવા એના નખ શોભી રહ્યા છે. જાણે મોટા મોટા રાજાઓને નમાવતા હોય ! (એ નખમાં એવું અભિમાન છે … આકર્ષણ છે.) વળી,

પગની આંગળીઓ તો જાણે ચંપાની કળીઓ સમી. જાણે કુમકુમ ભર્યા હીરા જેવા તેજસ્વી લાલ માણેક સમા નખથી શોભતા પગના ફણા ફરતી જાણે કેસરવરણી કળા ન કરી હોય !

સવિયાણું સરિધાર;

બેય તરોવડ ટેવીએ;

એકે વણજ વેપાર,

બીજે મરમાળાં માનવી.

સવિયાણુ ને સરિધાર બેય જાણે હરીફ બન્યાં છે . એક ઠેકાણે વેપારવણજની બોલબાલા છે. તો વગડાના નેસડામાં મરમાળાં માનવીની બોલબાલા છે.

રૂપરૂપના અંબાર સમી સોળ વરસની પદમણ નાગમદે નેસડામાં નિરાંતનું જીવન જીવી રહી હતી. ભળકડે ને આરતીટાણે ભેંસુ દો’વી , દી ઊગ્યે છાશ કરીને માખણ ઉતારવું , એનું ઘી કરવું ને ડબા ભરવા … બાપુ માટે રોટલા ઘડવા … અને સરખી સહિયરો સાથે કલ્લોલ કરવો.

બે મહિનામાં તો નાગમદેનું રૂપ શરદના ચંદ્ર માફક સોળેકળાએ ખીલી ગયું હતું.

તે ગામમાં બહુ જતી નહોતી. પણ કોઈ વાર ચીજ વસત વો’2વા જતી ત્યારે ગામના લોકો એના રૂપને આશ્ચર્યભરી નજરે જોઈ રહેતા.

ગામમાં રહેતા એક ગઢવીએ તો નાગમદેનું રૂપ જોઈને જોગમાયાની ધારણા બાંધી અને ઈ રૂપ સાથે જોગમાયાને સરખાવનારા કેટલાક દુહા સોરઠા પણ ઘડી કાઢયાં.

આવી રૂપવતી નાગમદે સામે કોઈ કૂડી નજર કરતું નહિ … કારણ એ કે એના રૂપમાં સાત્ત્વિકતા હતી … બીજાના હૈયે પાપ જગાડનારી માદકતા નહોતી.

વૈશાખનો ધોમ ધખતો હતો. આકાશ જાણે ઓગળીને પૃથ્વીને અગ્નિસ્નાન કરાવી રહ્યું હતું.

નેસમાં નાગમદે, લાખુ, રાજલ વગેરે સરખી સહિયરો એક વૃક્ષની છાયા નીચે બેસીને ભેંસુનાં ખાણ વીણી રહી હતી. કપાસિયાના ઢગલા પડ્યા હતા. મધ્યાહ્નનો સમય હતો . બધા આયરો માલઢોર સાથે

દૂર નીકળી ગયા હતા. વારાફરતી રહેતા બે વૃદ્ધ આયરો પૈકીનો એક ગાડું લઈને ઘીનાં ઠામ વેચવા સવિયાણે ગયો હતો.

બરાબર આ સમયે નેસડા બહારની વનરાઈમાં કાંક સંચર થતો હોય એમ રાજલને લાગ્યું. એટલે તે તરત ઊભી થઈને જોવા માંડી.

નાગમદેએ પૂછ્યું :  ‘કેમ ભાભી, કેમ ઊભી થઈ ગઈ ?’

‘સામાં ઝાડવાં વાંસે કાંક સંચર થતો સંભળાણો ..’

‘કોઈ ઢોરબોર હશે …’  લાખુએ કપાસિયા વીણતાં વીણતાં કહ્યું.

રાજલે ધારી ધા 2ીને જોયું, પણ કોઈ દેખાયું નહિ..એટલે તે નીચે બેસી ગઈ.

થોડી પળો ગઈ હશે ત્યાં વળી સંચર થયો … અને આ વખતે સહુએ સાંભળ્યો.

નાગમદે ને રાજલ બેય ઊભાં થઈ ગયાં. જે દશથી સંચર આવતો હતો તે દશ તરફ નજર કરી …

અને નાગમદે જોઈ શકી … પૂરો પાંચ હાથ લાંબો એક વાઘ લપાતોછુપાતો આ તરફ આવતો હતો. રાજલે પણ વાઘને જોયો … અને તે બોલી :  ‘લાખુ , મારો રોયો વાઘ દીસે છે. તું આપણાં પાંડરુંનો વાડો જોઈ આવ્યને !’

‘ વાઘ ?  કહેતીને લાખુ ઊભી થઈ. તેણે પણ વાઘને જોયો.

વાઘ તો છપિયું જાનવર ! રાતે ય નીકળે ને કોઈ વાર ધોળે દોએ ય આવી ચડે !

નાગમદેએ કહ્યું :  ‘ભાભી, ડાંગું ઝૂંપડામાં પડી છે … હાલો લઈ આવીએ.’

‘હા …’  કહીને રાજલ અગ્રસર થઈ.

પણ વાઘ નેસડામાં ઘૂસે તો શું થાય ?

અરે, આવા કાળા બપોરે કોને બૂમ મારવી ?

બંને હાથમાં કડિયાળી ડાંગ ધારણ કરી …

વાઘ લપાતોછુપાતો આવતો હતો …

લાખુ પણ પાડરુંનો વાડો બરાબર બંધ કરીને આવી ગઈ.

સોનાએ કહ્યું :  ‘નાગમ, વાધ આપણી કોરે જ આવી રહ્યો

છે …. આપણે બધાં ઝાડ ઉપર ચડી જાઈ.’

આ સૂચના વાસ્તવિક હતી.

ચારે ય સ્ત્રીઓ કછોટા મારીને બે ઝાડ પર ચડી ગઈ.

વાઘ નેસડામાં દાખલ થયો.

સોનાએ બૂમ મારી :  ‘કોઈ આવો ! વાઘ આવ્યો છે … કોઈ બચાવો !’

અને વાઘ એ બંને વૃક્ષ નીચે જ લાલસાભરી નજરે જોતો આંટ મારવા માંડ્યો !

સોના, લાખુ ને રાજલે બૂમો મારવી શરૂ કરી. પણ આ વનવગડામાં કોણ સાંભળે ! નેસડાનું ખાડું તો એકાદ ગાઉ છેટું હતું. વસ્તાબાપા ને ત્રણ આયરાણીઓ ઘી વેચવા ગામમાં ગયાં હતાં. એને આવતાં સાંજ પડી જાય !

સારા નસીબે બે બાળકો આજ નેસડે નહોતાં … વસ્તાકાપા હાર્યે ગામમાં ગયાં હતાં.

હવે શું કરવું ? ગોરી નાગમદે સ્થિર નજરે વાઘ તરફ જોઈ રહી હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.