માંગરોળ તાબાના શીલ મુકામે પોલીસે એક ખેતરમાં મધરાતે દરોડો પાડી ઝૂંપડામાંથી 1.15 લાખના ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
શીલ પીએસઆઈ વિ.કે.ઉંજીયાને મોડી રાત્રે ઝરીયાવાડા રોડ પર આઈટીઆઈ પાસે હિરેન ડાયાભાઈ કોડીયાતરે બહારથી ઈંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી પોતાના ખેતરે રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આ જગ્યાએ રેડ કરતા ત્યાં ઝૂંપડા નીચે એક ઈસમ કાંઈક ચીજવસ્તુઓની હેરાફેરી કરતો હતો. પોલીસને જોઈને તે ભાગે તે પહેલા ઝડપી લીધો હતો. પોલીસે ઝૂંપડામાં ટોર્ચ લાઈટથી તપાસ કરતાં ત્યાં 19 પુઠ્ઠાની પેટીઓ અને 3 પ્લાસ્ટિકના બાચકા પડ્યા હતા. જેમાંથી ફોર સેલ ઈન રાજસ્થાનની બનાવટનો 1,15,200ની કિંમતનો 288 બોટલ દારૂ તથા સ્થળ ઉપરથી મોટરસાયકલ અને મોબાઈલ કબ્જે કર્યા હતા.
ઝડપાયેલા આરોપી આશિષ અરજનભાઈ કોડીયાતરે પોતાના કાકાના દિકરા હિરેન ડાયાભાઈ કોડીયાતર સાથે મળી આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કહી હિરેન દારૂ ઉતારી થોડીવાર પહેલા જ જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સના કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.