લખતર પાસેથી ૩૪૨૦ અને દસાડા નજીકથી ૧૦૫૬ વિદેશી દારૂની બોટલ કબ્જે

ઝાલાવાડ પંથકમાં જાણે દારૂની રેલમછેલ ચાલતી હોય તેમ જુદા-જુદા બે સ્થળોએ દારૂના દરોડામાં પોલીસે કુલ રૂ.૧૧.૯૮ લાખનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં લખતર પાસેથી આઇસર ટ્રકમાંથી પોલીસે ૩૪૨૦ અને દસાડા નજીકથી ઇનોવા કારમાંથી ૧૦૫૬ વિદેશી દારૂની બોટલનો જથ્થો કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લખતર પાસે ભાસ્કર પરા ગામ નજીક વિઠ્ઠલગઢ કેનાલ પાસેથી ડીએલ-૦૧-જીસી-૩૩૨૦ નંબરના બિનવારસી આઇસર ટ્રકને ઝડપી પાડી તેની તલાશી લેતા તેમાથી રૂ.૧૦,૨૬,૦૦૦ની કિંમતનો ૩૪૨૦ વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. ૧૮,૩૨,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. તો બીજી તરફ પોલીસે આઇસર ટ્રકની તપાસ કરતા ટ્રકના એચઆર-૫૫-વી-૯૩૭૧ સાચા નંબર હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથધરી છે.

તો અન્ય દરોડામાં પોલીસે દસાડા ગામ પાસે પાનવા ચેક પોસ્ટ પાસે વૉચ ગોઠવી ત્યાંથી પસાર થતી જીજે-૦૧-એફટી-૧૩૮૨ નંબરની સફેદ કલરની ઇનોવા કારને રોકી તેની તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે રૂ.૧,૭૨,૦૦૦ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૧૦૫૬ વોડકાની બોટલ મળી આવતા કારના ચાલક માંગીલાલ શંકરલાલ નાથુજી અને સુનિલ મોતિરામ નામના શખ્સની ધરપકડ કરી છે. તો બીજી તરફ પોલીસે આરોપીની પૂછપરછ કરતા તાજારામ કેશારામ જાટ, ઇશ્વરસિંહ, સંદીપ અને વિનોદ સિંધી ઉર્ફે વિજુ ઉર્ફે વિનોદકુમાર મુરલીધર ઉદવાણી નામના શખ્સોના નામ ખુલતા પોલીસે તેમની પણ શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.