પોલીસ દ્વારા નાકાબંધી કરાતા બુટલેગરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી: બુટલેગર નાસી છુટયો
હળવદ હાઈવે પર આજરોજ પોલીસ દ્વારા અંગ્રેજી દારૂ ભરેલી સ્વીફટ કારનો પીછો કરાતા કાર પલટી મારી ગઈ હતી. પોલીસ દ્વારા કારમાં રહેલ વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની બોટલો સહિત રૂ.૬.૩૬ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. જયારે બુટલેગર નાસી છુટયો હતો. જેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ છાસીયા, ગંભીરસિંહ ચૌહાણ, યોગેશદાન ગઢવી, સી.એમ.ઈંદરીયા, બિપીનભાઈ પરમાર, અરજણભાઈ ભરવાડ સહિતનાઓ હાઈવે પર પેટ્રોલીંગમાં હોય તે અરસામાં મળેલ બાતમીના આધારે ધ્રાંગધ્રા તરફથી આવતી સ્વીફટ કારનો પોલીસ દ્વારા પીછો કરાતા કાર ચાલક પુરપાટ ઝડપે હંકારી મુકી હતી તે દરમિયાન બુટલેગરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે પર આવેલ પાટીદાર પેટ્રોલીયમ નજીક કાર પલટી મારી જતા બુટલેગર નાસી છુટયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી કારમાં રહેલ જુદીજુદી વિદેશી દારૂની બોટલોને જપ્ત કરી હતી. તો સાથે જ વિદેશી દારૂ કિ.રૂ.ર.૩૪ લાખ, બે મોબાઈલ કિ.રૂ.ર૦૦૦, એક કાર કિ.રૂ. ૪ લાખ સહિત રૂ.૬.૩૬ લાખનો મુદ્ામાલ ઝડપી લેવાયો હતો. જયારે ફરાર થઈ ગયેલ કાર ચાલકને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પી.આઈ. એમ.આર. સોલંકીએ જુગારીઓ અને વિદેશી દારૂનો વેપલો કરતા તત્વો પર રીતસરનો સપાટો બોલાવ્યો હોય તેમ જુગારીઓ અને વિદેશી દારૂને મોટી માત્રામાં ઝડપી લેતા જુગારીઓ અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે પણ વધુ એક હળવદ હાઈવે પર વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લેવામાં સફળતા મળી છે.