- અગાઉ સાતેક વાર ખેપ મારી દીધાનો ખુલાસો : આ વખતે કટીંગ કરે તે પૂર્વે જ એલસીબી ત્રાટકી
રાજસ્થાનથી ટ્રેન મારફત રાજકોટમાં દારૂ ઘુસાડવાના નુસ્ખાનો પર્દાફાશ થયો છે. રૂ. 76 હજારની 80 બોટલો સાથે 3ને ઝડપી લેવામાં આવ્યા છે. ગંજીવાડાનો હિરેન રિક્ષા લઇ માલની ડિલીવરી લેવા ભગવતીપરાના પુલ નીચે પહોંચ્યો ત્યાં જ એલસીબી ઝોન-1ના બી. વી. બોરીસાગરની ટીમ ત્રાટકી હતી.
પોલીસથી બચવા માટે બુટલેગરો સપ્લાયરો નવા નવા કિમીયા અજમાવી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતાં હોય છે. જો કે પોલીસ ધારે તો કોઇપણ પ્રકારના આવા નુસ્ખા નાકામ બનાવી શકતી હોય છે. એલસીબી ઝોન-1 ટીમે વધુ એક વખત આવા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી ટ્રાવેલ બેગોમાં દારૂની બોટલો ભરી ટ્રેન મારફત રાજકોટ પહોંચાડવાના નુસ્ખાનો પર્દાફાશ થયો છે. ભગવતીપરાના પૂલ નીચે રાજકોટનો ગંજીવાડાનો શખ્સ માલનું કટીંગ કરે એ પહેલા તેને અને રાજસ્થાન-હરીયાણાના બે શખ્સને 76 હજારના દારૂ સાથે ઝડપી લઇ રિક્ષા-મોબાઇલ મળી રૂ. 1.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ રીતે અગાઉ સાતેક વખત હેરાફેરી થઇ ચુકી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાને મળેલી બાતમી પરથી ભગવતીપરાના પૂલ નીચે દરોડો પાડી ગંજીવાડા-8માં રહેતાં હિરેન રામજીભાઇ રાઠોડ (ઉ.વ.32) નામના રિક્ષાચાલક તથા તેને દારૂ આપવા આવેલા રાજસ્થાન બ્યાવરના ભુરીયાખેડા ગામના ગુલશનસિંગ રાજુસિગ પવાર (ઉ.વ.21) અને તેના મિત્ર હરિયાણા સોનીપત વિકાસનગર-4 સેક્ટર-23ના રાહુલ ઉર્ફ ચીકુ પવનકુમાર બાનખડ (ઉ.વ.20)ને પકડી લેવાયા હતાં.
પોલીસે જીજે07એટી-5334 નંબરની પચાસ હજારની રિક્ષા, પંદર હજારના ત્રણ મોબાઇલ ફોન અને 76 હજારનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે જોનીવોકરની 12 હજારની 12 બોટલો, સ્મીર્નઓફ વોડકાની 7200ની 12 બોટલો, જેમસન આઇરીસ વ્હીસ્કીની 12 હજારની 12 બોટલો, જીમબેન વ્હીસ્કીની 750 એમએલની 4 હજારની 4 બોટલો, જીમબેનની િ લીટરની 4800 ની 4 બોટલો, જોનીવોકર રેડલેબલની 36 હજારની 36 બોટલો કબ્જે લીધી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રિક્ષાચાલક હિરેન રાઠોડનો સંપર્ક રાજસ્થાની શખ્સ સાથે થયા બાદ તેણે કેટલાક સમયથી તેની પાસે દારૂ મંગાવવાનું ચાલુ કર્યુ હતું. ગુલશનસિંગ અને તેનો મિત્ર રાહુલ ઉર્ફ ચીકુ અગાઉ સાતેક વખત આ રીતે તેને રાજકોટ સુધી દારૂ આપી ગયા હતાં. આ બંને આ વખતે પાંચ ટ્રાવેલ બેગ જે પીઠ પાછળ લટકાવી શકાય તેમાં દારૂની બોટલો ભરી રાજસ્થાનથી ટ્રેન મારફત વાંકાનેર સુધી આવ્યા હતાં. ત્યાં ઉતરી ખાનગી વાહનમાં રાજકોટ પહોંચ્યા હતાં. ભગવતીપરા પુલ નીચે માલનું કટીંગ થાય એ પહેલા પોલીસે બંનેને અને રિસીવર હિરેનને પકડી લીધા હતાં.