દેશભરમાં કોરોના કેસ ફરી વધતા સરકારની ચિંતા વધી છે તો જનતા પર જોકમ પણ વધ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પંજાબ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે. એમાં પણ મહારાષ્ટ્રમાં સ્થિતિ ભયંકર બની છે. મહારાષ્ટ્રમાં કેસ વધતા સરહદ સાથે જોડાયેલા રાજયોમાં ખતરો વધ્યો છે. ગુજરાત પર પણ ખતરાની ઘંટડી વાગી રહી છે. વધતા કેસમાં ગુજરાત ચોથા નંબર પર છે. જો સજાગ બની ગાઈડલાઈનનું પાલન નહી કરીએ તો મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બનતા વાર નહીં લાગે. ગત અઠવાડિયા 8 માર્ચથી 14 માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં 30,029 કેસ વધ્યા છે. તો ગુજરાતમાં 1,324 કેસ વધુ નોંધાયા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. જેના પગલે મહાનગરોમાં લોકડાઉન 31 માર્ચ સુધી લંબાવી દેવાયું છે. અમદાવાદનાં પશ્ર્ચિમ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે. આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી મોલ, દુકાન, લારી-ગલ્લા બંધ કરી દેવા આદેશ જારી કરાયા છે. રાજયમાં એકિટવ કેસ પાંચ હજારથી વધી ગયા છે.
અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે, 48 સોસાયટી ક્વોરેન્ટાઇન
કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. શહેરના આઠ વોર્ડમા રાત્રીના 10 કલાક પછી દુકાન ગલ્લાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોધપુર,( સાઉથ બોપલ સાથે), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા , સ્પા જીમ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદની 48 સોસાયટીઓને ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ ભાગની આ સોસાયટીઓ છે. બોપલ નવરંગપુરા ચાંદખેડા ગોતા જેવા વિસ્તારોની સોસાયટીઓમાં સતત કેસ વધ્યા હોવાનું ફલિત થાય છે.