બિહારની ચૂંટણી માટે અલ્પેશને મહત્વની જવાબદારી સોંપ્યા બાદ હવે પરપ્રાંતીયો પરના હુમલાથી કોંગ્રેસને જ નુકશાન થશે: પ્રાંતવાદનું ઝેર ધોળી રાજકીય રોટલા શેકવાના પેંતરા સમાજે હંમેશા નકાર્યા છે
પ્રાંતવાદનું ઝેર ઘોળી અલ્પેશ ઠાકોરે પોતાના પગ ઉપર કુહાડી મારી છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેરમાં આપેલા નિવેદનોનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગરમાં ૧૪ માસની બાળકી પર બળાત્કારનો અપરાધ થયા બાદ ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોરે અપરાધો માટે પરપ્રાંતીયોને જવાબદાર ગણાવ્યા હોવાનો વીડીયો વાઈરલ થયો છે. ત્યારબાદ પરપ્રાંતીયો ઉપર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તેવું માનવામાં આવે છે. ત્યારે ઝડપથી રાજકીય વગ અને સતા હાંસલ કરનાર અલ્પેશ ઠાકોરની રાજકીય કારકીર્દીનો અંત પણ નજીક આવી ગયો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.
ગુજરાતમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને ત્યારબાદ ઓબીસી આંદોલનથી જાતીવાદ ઉભો કરવાનો હિન પ્રયાસ કરાયા બાદ હવે ગુજરાતીઓ વિરૂધ્ધ પરપ્રાંતીયો એવો ભેદ ઉભો કરવાનું ષડયંત્ર રચાયું છે. જેમાં રાજકીય રોટલા સેકવામાં આવી રહ્યા છે.
ભૂતકાળમાં અલ્પેશ ઠાકોર રાજકારણમાં ઉભરતી પ્રતિભા હતી. લોકો સમાજ ઉપર તેમનું પ્રભુત્વ જોઈ કોંગ્રેસે તેમને ટીકીટ આપી વિધાનસભા ચૂંટણી લડાવી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલી અલ્પેશ ઠાકોરને આગળ કર્યા. એઆઈસીસીમાં તુરંત પ્રવેશ આપ્યો. આ મુદે કોંગ્રેસમાં જ જ વિરોધનો સૂર ઉઠ્યો પરંતુ તેને દબાવી દેવામાં આવ્યો.
પરપ્રાંતીયો ઉપરના હુમલા પાછળ અલ્પેશ ઠાકોરના નિવેદન કારણભૂત હોવાના આક્ષેપો થાય છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને બિહારના પ્રભાવીની જવાબદારી સોંપી છે. આવા સમયે અલ્પેશ ઠાકોર બિહારમાં કોંગ્રેસે આપેલી જવાબદારી કેવી રીતે પૂર્ણ કરી શકશે તેવો પ્રશ્ન ઉભો થયો છે.
હાલ પ્રાંતવાદના દુષણના કારણે સ્થાનિકોની રોજી-રોટી છીનવાય જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરપ્રાંતીયો પરના હુમલાને રાજકીય રંગ આપી ગુજરાતને બદનામ કરવામાં આવી રહ્યો છે. પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ રહેલા ગુજરાતનો વિકાસ રૂધાઈ જશે તેવી દહેશત છે.
૧૦૦ ચૂહે મારકર બીલ્લી હજ પઢને ચલી!
પરપ્રાંતિયો સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ ઉપર બેઠા છે ! ત્યારે ૧૦૦ ચૂહે મારકર બિલ્લી હજ કો ચલી કહેવત અહીં સાર્થક થતી જોવા મળે છે. પરપ્રાંતિયો પરના હુમલા બાદ ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિવાદમાં ફસાયા છે.
ત્યારે ગુજરાતમાં પરપ્રાંતિયો અને ગુજરાતીઓ વચ્ચે શાંતિ અને ભાઇચારાનો માહોલ જળવાઇ રહે તે માટે અલ્પેશ ઠાકોર આજી સદ્દભાવના ઉપવાસ શરૂ કરશે. હિંમતનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી ૧૪ માસની બાળકીને ન્યાય અપાવવા ઉપવાસ શરૂ કરી રહેલા અલ્પેશ ઠાકોરે તેમના ઉપવાસમાં જોડાવવા રાજ્યના પ્રજાજનોને આહ્વાન કર્યું છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યના તેમજ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને પણ પત્ર લખી ઉપવાસમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે.