ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવાની કામગીરી તેજ
અમેરિકાના બિલિયોનર સ્પેસ એન્જિનિયર અને આન્ત્રપ્રિન્યોર એલન મસ્ક મંગળવારે વહેલી સવારે તેઓએ તૈયાર કરેલી મિનિ-સબમરિન લઇ થાઇલેન્ડ પહોંચ્યા છે. થાઇલેન્ડમાં ૫ દેશોની રેસ્ક્યૂ ટીમે બાકીના ૪ ખેલાડીઓ અને કોચ સહિત ૨ ડોક્ટર અને ૩ નેવી સિલને આજે બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એલને વહેલી સવારે ટ્વીટર પર તેઓએ તૈયાર કરેલી મિનિ-સબમરિન સાથેના ફોટોગ્રાફ્સ ટ્વીટર પર પોસ્ટ કર્યા હતા.
મસ્કે કહ્યું કે, ગુફા નંબર-૩થી પરત ફર્યો. આ મિનિ-સબ હવે ઉપયોગ માટે તૈયાર છે. તેને રોકેટ પાર્ટ્સથી તૈયાર કરવામાં આવી છે. સબમરિનને ‘વાઇલ્ડ બોર’ નામ આપવામાં આવ્યું છે. ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમના નામ પરથી સબમરિનને નામ આપવામાં આવ્યું છે. મસ્ક આ સબમરિનને અહીં રેસ્ક્યૂ ટીમ સાથે જ રાખશે જેથી જરૂરિયાત જણાતા તેનો ઉપયોગ કરી શકાય. ગુફા નંબર-૩ ગુફાના પ્રવેશદ્વારથી બે કિલોમીટર અંદર છે. અહીં થાઇ રેસ્ક્યૂ ટીમે પોતાનો કેમ્પ ઉભો કર્યો છે. જે બાળકોને ગુફામાંથી બહાર લાવવાના છે તેઓ હજુ પણ બે કિલોમીટર અંદર છે. જો કે, રેસ્ક્યૂ ટીમ મસ્કની સબમરિનનો ઉપયોગ ઓપરેશન દરમિયાન કરશે કે નહીં તે અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડની થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા ૧૨ જૂનિયર ખેલાડીઓ અને તેઓના કોચને બહાર લાવવા માટે રવિવાર વહેલી સવારથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં હતું. સોમવારે મોડી સાંજે ૧૨માંથી ૮ ખેલાડીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ અન્ય ૪ ખેલાડીઓ અને કોચ અંદર છે.
થાઇલેન્ડની ગુફામાં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનને ધ્યાનમાં રાખીને અગાઉ એલન મસ્કે ગુફામાં એર ટ્યૂબ પસાર કરવાનો આઇડિયા આપ્યો હતો. જેના ટીમે વખાણ કર્યા હતા. ત્યારબાદ મસ્કે તેઓની મિનિ-સબનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મસ્કે કહ્યું કે, આ મૂળભૂત રીતે નાની કિડ-સાઇઝ સબમરિન છે. જેમાં ફાલ્કન રોકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલી લિક્વિડ ઓક્સિજન ટ્રાન્સફર ટ્યૂબ છે. આ ટ્યૂબ વજનમાં હળવી હોવાના કારણે બે રેસ્ક્યૂ મેમ્બર આસાનીથી ઉંચકી શકે છે. ઉપરાંત તેનો આકાર નાનો હોવાના કારણે સાંકડી ગલીઓમાંથી પણ સરળતાથી પસાર થઇ શકે છે. જે વ્યક્તિને આ સબમરિનમાં બેસાડવામાં આવે તેણે સ્વિમિંગ કરવાની કે ઓક્સિજન બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની સુદ્ધાં જરૂર નથી.