વૈશાખ સુદ ત્રીજ ના દિવસે અક્ષય તૃતીયા પર્વ મનાવાય છે. અક્ષય તૃતીયાના દિવસે જ સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો, દ્વાપર યુગનો અંત અને કલિયુગનો પ્રારંભ પણ આ દિવસે જ થયો હતો, તેથી અક્ષય તૃતીયાને યુગાદિ તિથિ પણ કહેવાય છે. આ દિવસે કોઈપણ મુહૂર્તમાં સગાઈ, લગ્ન, મુંડન, ગ્રહ પ્રવેશ, નવો વેપાર શરૂ કરવો વગેરે શુભ કાર્ય થઈ શકે છે.
અક્ષય તૃતીયા ને અનંત, અખંડ, અક્ષય ફળદાયક કહેવાય છે, જેનો ક્યારેય ક્ષય ન થાય તે અક્ષય. કહેવાય છે કે આ દિવસે જેમનો પરિણય સંસ્કાર થાય તેમનું સૌભાગ્ય અખંડ રહે છે
આ દિવસે મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે વિશેષ અનુષ્ઠાન થાય છે જેથી અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે પંચાંગ જોયા વિના કોઈપણ શુભકાર્ય કરી શકાય છે, કેમ કે શાસ્ત્રો મુજબ આ દિવસે સ્વયં સિદ્ધ મુહૂર્ત હોય છે.
ભવિષ્ય પુરાણ મુજબ ભગવાન વિષ્ણુના ૨૪ અવતારો માં નાં એક પરશુરામજી નો જન્મ તેમજ નાર નારાયણ નો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે જ થયો હતો. તીર્થ સ્થળ બદ્રીનારાયણ નાં પટ દર્શન આ દિવસે ખૂલે છે, વૃંદાવન ના બાંકે બિહારી ના ચરણ દર્શન પણ માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે.
આખા વર્ષમાં સાડા ત્રણ અક્ષય મુહૂર્ત હોય છે, એમાં પ્રમુખ સ્થાન અક્ષય તૃતીયા નું છે. એમાં નાં ચૈત્ર સુદ એકમ ગુડ્ડી પડવો, વૈશાખ સુદ ત્રીજ – અક્ષયતૃતીયા, આસો સુદ દશમ – વિજયાદશમી અને દીપાવલી પર્વ નો અડધો દિવસ, એટલા માટે વર્ષ ભર ના સાડા ત્રણ મુહર્ત પણ કહેવાય છે.
અક્ષય તૃતીયા સોના-ચાંદીની ખરીદી તેમજ નવું ઘર, વાહન ખરીદવા માટે પણ શ્રેષ્ઠ છે.