‘અખાત્રીજ’નો તહેવાર માત્ર સોનુ ખરીદવા પુરતુ જ મહત્વ નથી, અક્ષય તૃતિયા એટલે એક એવો પર્વ કે જેમાં કરેલું કોઈપણ કાર્ય અક્ષય નાશ ન થાય તેવા ફળ આપનારૂ હોય છે, આથી જ આખાત્રીજે એવું પૂણ્ય કરાય કે જે ક્યારેય પૂર્ણ ન થાય અને અવિરત પૂણ્ય પ્રાપ્તિ થતી રહે
અક્ષય તૃતિયા એટલે કે, અખાત્રીજમાં સોનાની ખરીદીનો રિવાજ છે પરંતુ આ તહેવારના ખરા મર્મથી ઘણા લોકો અજાણ છે. અક્ષય તૃતિયા એક એવો તહેવાર છે કે, આ દિવસે કરેલું કોઈપણ કામ અક્ષય ફળ આપનારૂ એટલે કે, તેનું ક્યારેય નાશ ન થાય. આ કારણે જ અખાત્રીજના દિવસે સારા કામ અને પૂણ્યકાર્ય કરવા જોઈએ જેનું અક્ષય પૂણ્ય પ્રાપ્ત થતું રહે જે ક્યારેય પૂરું જ ન થાય અને જીવનમાં સુ:ખ શાંતિ કાયમ રહે.
વૈશાખ મહિનાના શુક્લપક્ષની ત્રીજના દિવસે યોજાતી અખાત્રીજ પૂજાપાઠ, સતર્કમ, વ્રતની સાથો સાથ દાન, પૂણ્યનું ખુબજ મહત્વ રાખે છે. આ દિવસે કરેલું નાનુ એવું પુણ્ય અને દાન ભયંકર પાપીઓને પણ મોક્ષ અપાવી દે છે. જલપાત્રનું દાન, અન્નદાન, જવનું દાન, સુહાગનની સામગ્રી જેવા ધર્મની સાથે માનવ સુખ અને માનવતાના ઉદ્દેશ્ય પુરા પાડનારા દાનનું મહત્વ રહેલું છે. જલપાત્રના દાનમાં માટલું, ઘડા અને પાણી ભરાય તેવા પાત્રનું દાન કરવાની હિમાયતમાં પણ દાન કરવામાં આવે તે પાત્ર ખાલી નહીં પરંતુ પાણી ભરીને આપવાની હિમાયત કરવામાં આવી છે. તરસ્યાને પાણી અને ભુખ્યાને ભોજન આપવાથી મોટુ કોઈ પૂણ્ય નથી. અખાત્રીજના દિવસે પણ જરૂરીયાતમંદ લોકોને અન્નદાન કરવું જોઈએ જેનાથી નવગ્રહની શાંતિ અને દેવતાઓની કૃપા વરશે છે જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધી છલકાઈ જાય છે.
અખાત્રીજના દાનમાં જવ, તલ, ચોખાના દાનને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આ દાનથી લોકોના પાપ સમાપ્ત થઈ જાય છે. માત્ર સોનુ ખરીદવું અને સમૃધ્ધીની સીડી ચડવાનું પગથીયુ માનતા લોકો માટે અખાત્રીજના દિવસે સુહાગના શણગાર તેમાં કપડા કે કોઈપણ વસ્તુનું સહાગન મહિલાને દાન કરવાથી દાતાને શુક્ર ગ્રહની કૃપા અને દાંપત્ય જીવનમાં ખુશી મળે છે.
અખાત્રીજના આ પર્વની દરેક ઘડી અને ચોઘડીયા દરેક કામ માટે શુભ ગણવામાં આવે છે. ગુજરાતમાં અખાત્રીજના દિવસે સોનાની ખરીદીનું મહત્વ છે. આ વખતે તો માત્ર શુકન સાચવવાના લાભ પુરતી સોનાની ખરીદી લાભપ્રદ બને તેવું નથી. નિષ્ણાંતોના મતે અખાત્રીજના મુહૂર્તે ખરીદાયેલું સોનુ ભાવ વધારામાં પણ ફાયદો કરાવશે. સોનાના ભાવ નવી ટોચે પહોંચે તેવું નિષ્ણાંતોએ મત વ્યકત કર્યો છે. અખાત્રીજનો દિવસ દાન-પૂણ્યનો અવસર ઝડપી લેવાનો દિવસ છે.