બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે ઇ.સ.1961માં દીક્ષા લેનાર
શાસ્ત્રી સ્વામીજીની સાદગી, સાધુતા અને સરળતા સહુનો આદર્શ બની રહેશે: પ્રેમસ્વરૂપ સ્વામી
હરિધામ સોખડાના વરિષ્ઠતમ સંતવર્ય શાસ્ત્રી સ્વામીજી પૂજ્ય કૃષ્ણચરણદાસજીનું અક્ષરધામગમન થતાં સંતો-ભક્તોમાં શોકની લાગણી વ્યાપી છે. શાસ્ત્રી સ્વામીજીએ ભગવતસ્મરણ કરતાં કરતાં તા.22 ડિસેમ્બરે રાત્રે 10.00 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. એકયાસી વર્ષના શાસ્ત્રી સ્વામીજીને છેલ્લા છ માસથી બ્રેઇન ટ્યુમરની બીમારી હતી. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સાથે રહીને હરિધામ તીર્થક્ષેત્રનાં સર્જનમાં તેઓએ અગ્રેસર ભૂમિકા અદા કરી હતી. કુદરતી ખેતી અને ગૌસંવર્ધનમાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું.
યોગી ડિવાઈન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામી સાથેનાં સંસ્મરણો વર્ણવીને તેમની સાદગી, સરળતા, સાધુતા, ભક્તિભાવ અને સુહૃદભાવને બેનમૂન ગણાવ્યા છે. તેઓનું જીવન સંતો-ભક્તો માટે આદર્શ બની રહેશે તેમ જણાવ્યું હતું.
અ.નિ. શાસ્ત્રી કૃષ્ણચરણદાસજીએ ઈ.સ. 1961માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે એકવીસ વર્ષની વયે ગઢડા ખાતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી અને સંતજીવનમાં રહીને અંતિમ શ્વાસ સુધી સતત છ દાયકા સુધી અધ્યાત્મિક અને સામાજિક સેવામાં રત રહ્યા હતા.
સાંપ્રદાયિક ગ્રંથોના ઉંડા અભ્યાસુ એવા શાસ્ત્રી સ્વામીજી પાસેથી સ્વામિનારાયણ પરંપરાના પદોનું ગાન શ્રવણ ભક્તિભાવમાં તરબોળ કરી દેનાર રહેતું. હરિધામ-સોખડા સાથે સંલગ્ન આત્મીય સમાજને તેમણે ખરા અર્થમાં વડીલ તરીકેની હુંફ અને માર્ગદર્શન આપ્યાં હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં સદગુરૂ મુક્તાનંદ સ્વામી હતા તેવું સાધુતાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રી સ્વામીજી નવદીક્ષિત સંતો માટે સાધુતાનો આદર્શ બની રહ્યા હતા. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથે તેમનો અનુપમ આત્મીય સંબંધ હતો. તેઓએ ઠાકોરજીની ચલ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે શાસ્ત્રી સ્વામીના જન્મદિવસ 13 સપ્ટેમ્બરની પસંદગી કરેલી.
હરિધામ-સોખડાના હરિઘાટમાં અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજીની સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અનુપમ મિશનના અધ્યક્ષ પૂજ્ય જસભાઈ, દિલ્હીના પૂજ્ય મુકુન્દજીવન સ્વામીજી, પૂજ્ય નિર્મળ સ્વામી, પવઈ મંદિરના પૂજ્ય ભરતભાઈ, પૂજ્ય હેમંતભાઈ વશી, ગુણાતીત જ્યોત વિદ્યાનગરના વડીલો, સાંકરદા સંતમંડળ ઉપરાંત હરિધામના વડીલ સંતો પૂજ્ય યજ્ઞવલ્લભ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી, પૂ. પ્રબોધ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી વગેરે સંતો, આત્મીય સમાજના વિવિધ પ્રદેશોના કાર્યકર્તાઓ સહીત સેંકડો હરિભક્તોએ ખાસ ઉપસ્થિત રહીને સજળનેત્રે ભાવાંજલિ અર્પણ કરી હતી.