સોયબ અખ્તરની બોલીંગ એકશન શંકાસ્પદ હોવાથી અનેકવિધ ટીકાઓ કરવામાં આવી હતી
ક્રિકેટ ઈતિહાસમાં પેશ મર્ચન્ટ તરીકે જાણીતા થયેલા સોયબ અખ્તરની કારકિર્દી બીસીસીઆઈનાં પૂર્વ ચેરમેન અને આઈસીસીનાં પૂર્વ ચેરમેન જગમોહન દાલમીયાએ બચાવી હોવાનું સામે આવ્યું છે. સોયબ અખ્તરની બોલીંગ એકશન શંકાસ્પદ હોવાથી અનેકવિધ ટીકાઓ પણ કરવામાં આવી હતી જેના પર પૂર્ણવિરામ મુકવામાં દાલમીયાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
૧૯૯૯મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) કહ્યું હતું કે અખ્તરની બોલિંગ એક્શન શંકાસ્પદ છે. ત્યારે ભારતના દિગ્ગજ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર જગમોહન દાલમીયા ૧૯૯૭થી ૨૦૦૦ દરમિયાન આઈસીસીના પ્રમુખ રહ્યા હતા. ૧૯૯૯થી ૨૦૦૩ દરમિયાન પીસીબીના પ્રમુખ રહેલા લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) તૌકિર ઝિયાએ કહ્યું હતું કે ત્યારે જગમોહન દાલમીયા આઈસીસીના પ્રમુખ હતા અને તેમનો ઘણો પ્રભાવ હતો. તેમણે અખ્તરની બોલિંગ એક્શનને લઈને ઘણી મદદ કરી હતી. આઈસીસીના સભ્યોએ અખ્તરની બોલિંગને ગેરકાયદેસર ઠેરવવાનું ભારપૂર્વક જણાવ્યું હોવા છતાં દાલમીયાએ અમારો પક્ષ લીધો હતો.
દાલમીયા અને મેં અખ્તરનો પક્ષ લીધો હતો અને આઈસીસીએ અંતે કહ્યું હતું કે અખ્તર જે હાથથી બોલિંગ કરે છે તેમાં જન્મથી જ થોડી તબીબી ખોડ રહેલી છે જેના કારણે તેની બોલિંગ એક્શન પર તેની અસર પડે છે. બાદમાં અખ્તરની બોલિંગ એક્શન માન્ય રાખવામાં આવી હતી, તેમ તેમણે જણાવ્યું હતું.ઝિયાએ તે પણ કહ્યું હતું કે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ટીમમાં આંતરિક વિખવાદના કારણે કદાચ કેટલાક ખેલાડીઓએ નબળુ પ્રદર્શન કર્યું હતું. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાદમાં તેમણે તત્કાલિન સિલેક્ટર વસિમ બારીને વર્લ્ડ કપ બાદ દિગ્ગજ ખેલાડીઓ વસિમ અકરમ, વકાર યુનિસ અને સઈદ અનવરને ટીમમાંથી પડતા મૂકવાનું કહ્યું હતું.
સાઉથ આફ્રિકામાં રમાયેલા તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સુપર સિક્સ સ્ટેજમાં પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યું હતું. ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું હતું તે જોઈને વર્લ્ડ કપ બાદ હું ઘણો જ નિરાશ થયો હતો કેમ કે અમે તે વર્લ્ડ કપ માટે સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરી હતી. મને જાણવા મળ્યું હતું કે વર્લ્ડ કપ પહેલા જ ટીમમાં જૂથવાદ ચાલી રહ્યો હતો અને ટીમમાં ઘણા મતભેદો પણ હતા. મને શંકા હતી કે તેના કારણે કેટલાક ખેલાડીઓએ જાણી જોઈને નબળુ પ્રદર્શન કર્યું હતું.