રાજયસભાની ચુંટણી માટે ટિકિટ ન ફાળવતા નરેશ અગ્રવાલે સપામાંથી છેડો ફાડયો: વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી: અગ્રવાલ
ફિલ્મમાં નાચનારીને મારી બરાબરીમાં લાવનારી પાર્ટી સાથે હું કામ ન કરી શકું : નરેશ અગ્રવાલ
અખિલેશના ‘નરેશ’ ભાજપમાં જોડાયા છે. સમાજવાદી પાર્ટીના રાજયસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા નરેશ અગ્રવાલ છેલ્લા ઘણાં દિવસોથી સપાથી નારાજ હતા. સપાએ રાજયસભાની આગામી ચુંટણી માટે જયા બચ્ચનને ટીકીટ ફાળવી છે. જયારે નરેશ અગ્રવાલને ટીકીટ ન મળતા તેઓએ સપાથી છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
ભાજપમાં જોડાયા પછી તુરંત જ નરેશ અગ્રવાલ અખિલેશની વિરૂઘ્ધ અને પી.એમ. મોદી તેમજ યુપીના સીએમ યોગીના પ્રસંશક બની ગયા છે. અગ્રવાલે કહ્યું કે, જો રાષ્ટ્રભરમાં કામ કરવું હોય તો રાષ્ટ્રીય પક્ષમાં જોડાવું જરુરી છે. અને વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
સપાએ જયા બચ્ચનને ટીકીટ ફાળવતા નારાજગી વ્યકત કરતાં નરેશ અગ્રવાલે કહ્યું કે, ફિલ્મમાં નાચનારીને મારી બરાબરીમાં લાવનારી પાર્ટી સાથે છું કામ નહી કરું, ભાજપના પ્રવકર્તા સંબીત પાત્રાએ અગ્રવાલનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે, ભાજપ તમામ લોકોને આવકારે છે.
આ સાથે નરેશ અગ્રવાલે જયા બચ્ચન પર શાબ્દિક પ્રહારો અને ટીપણી કરી હતી તેમજ મુલાયમ સિંઘ યાદવ, અને રામ ગોપાલ યાદવ વિશે ઘ્યાન દોરી કહ્યું હતું કે, સપા યુપીમાં નબળું પડી રહ્યું છે.
જણાવી દઇએ કે, નરેશ અગ્રવાલનો રાજયસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ બે એપ્રીલે પૂર્ણ થઇ રહ્યો છે. જયારે ઉપલા ગૃહ (રાજયસભા) માટે સમાજવાદી પાર્ટી દ્વારા જયા બચ્ચનની વધુ એક વખત નીમણુંક થઇ છે.