ભુલકાઓના વેદમંત્રોથી ગીર તળેટી ગુંજી ઉઠી
જુનાગઢ જપ-તપ અને સિદ્ધિઓની ભૂમિ તરીકે જાણીતું છે. અહીં માતાજીના નવલા નોરતાના પર્વ દરમિયાન અનેક જગ્યાએ આકરા અનુષ્ઠાનો ભકતો દ્વારા કરી શકિતની આરાધનામાં તરબોળ થઈ જાય છે ત્યારે જુનાગઢ સંસ્કૃત પાઠશાળા તરીકે જાણીતી સામવેદ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ સર્વે જગતના કલ્યાણ માટે ગુરુ શ્રી કમલકાન્તજીના આશીર્વાદ તેમજ આચાર્ય ચેતનભાઈ શુકલના માર્ગદર્શન નીચે શ્રીસુકત તેમજ દુર્ગા સપ્તસતીના પાઠ સાથે સતચંડી યજ્ઞનો પ્રારંભ કર્યો છે. દિવસ દરમિયાન પાઠશાળામાં નાના-નાના વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ વેદમંત્રોથી આદ્યાશકિતની આરાધનામાં રીતસર આઘ્યાત્મીક વાતાવરણનો અનુભવ થાય છે.આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના પાયતન રોડ પર આવેલ ઈન્દ્રભારતી બાપુના આશ્રમ પાસે આવેલ ગીર ફાર્મ ખાતે આસો નવરાત્રી પર્વ દરમિયાન સામવેદ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ વેદાન્તાચાર્ય તેમજ વયોવૃદ્ધ ગુરુ કમલ કાન્તજીની સુચના અને આશીર્વાદથી આચાર્ય ચેતનભાઈ શુકલાના માર્ગદર્શન નીચે શ્રી સુકતમ્, દુર્ગાસપ્તસતીના પાઠ તેમજ દરરોજ આ કરેલા પાઠના દશાંસ હોમનું નવરાત્રી પર્વ દરમિયાન સર્વે જગત માટે સર્વે ભવન્તુ સુખીના સર્વેભવન્તુ નીરામયાની ભાવના સાથે નવરાત્રી અનુષ્ઠાન પ્રારંભ કરાયો છે.૮૫ વર્ષ કરતા વધુ વય ધરાવતા વેદાન્તાચાર્ય કમલકાંતજીના આશીર્વાદ અને આચાર્ય ચેતનભાઈના માર્ગદર્શન નીચે આ અનુષ્ઠાનમાં ૮ વર્ષના વિદ્યાર્થીથી લઈ અનેક નવયુવાનો દ્વારા વેદમંત્રોથી ગીરી તળેટી દિવસભર ગુંજતી રહે છે. આદ્યશકિત જગદંબાની આરાધના કરી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તેમજ જનસમુદાય, પાપ, રોગ તેમજ અન્ય પીડા રહિત થઈ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યને શાંતીની પ્રાપ્તી કરે તેવા ઉમદા હેતુથી આ અનુષ્ઠાન પ્રારંભ કરાયો છે તેવું આચાર્ય શ્રી ચેતનભાઈ શુકલએ જણાવ્યું હતું.