6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાના ચૂંટણી પંચના આદેશ બાદ અધિકારીઓની ધડાધડ નિમણુંકો
ચૂંટણી પંચના આદેશના પગલે આઇએએસ એ કે રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરાઈ છે. 1989ની બેચના અધિકારી એ કે રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં. ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો.
ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવાનો આદેશ આપ્યો છે જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવાયા છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જેને લઈ હવે ગૃહ સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.
ગુજરાત રાજ્યના ગૃહ સચિવ તરીકેનો વધારાનો ચાર્જ અત્યાર સુધી પંકજ જોશી સંભાળી રહ્યા હતા. તેઓ વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે.
સાતેય રાજ્યોમાં જે અધિકારીઓને હટાવાયા તેની પાસે સીએમઓનો પણ ચાર્જ હતો
7 રાજ્યમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેમની પાસે સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં એડિશનલ ચાર્જ હતા, જે ચૂંટણીપ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાનૂન વ્યવસ્થા સુરક્ષાબળની તહેનાતીને લઇને પણ સમાધાન કરી શકતા હતા.મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના સંદર્ભમાં ચૂંટણીપંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું, જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું હતું.
પોલીસ ઇતિહાસની પ્રથમ ઘટના: બન્ને ભાઈઓ ડીજીપી બન્યાં
વિકાસ સહાયના મોટા ભાઈ વિવેક સહાયને બનાવાયા પશ્ર્ચિમ બંગાળના ડીજીપી
દેશના 2 અલગ અલગ રાજ્યોના ડીજીપી 2 સાગ ભાઈ હોય તેવી પોલીસ ડીપાર્ટમેન્ટના ઈતિહાસમાં સૌ પ્રથમ ઘટના ઘટી છે. પશ્ચિમ બંગાળના ડીજીપી તરીકે વિવેક સહાયની નિમણૂક થતા આ અભૂતપૂર્વ સંયોગ સર્જાયો છે. વિવેક સહાયના ભાઈ વિકાસ સહાય છેલ્લા 1 વર્ષથી ગુજરાતના ડીજીપી છે. આમ, બંને સહાય બંધુઓ 2 અલગ અલગ રાજ્યના ડીજીપી બન્યા છે. સહાય પરિવારના સૌથી મોટા વિવેક સહાય પશ્ચિમ બંગાળ કેડરના 1988 બેચના આઇપીએસ છે. મે-2024ના અંતમાં નિવૃત્ત થઈ રહેલાં વિવેક સહાયને પશ્ચિમ બંગાળના પોલીસ વડા બનાવવામાં આવ્યાં છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ વડા રાજીવકુમારને હટાવીને આઈપીએસ વિવેક સહાયને નિયુક્ત કર્યા છે. ડીજીપીના પદ માટે 3 નામ મોકલવામાં આવ્યા હતા. જેમાં વિવેક સહાયનું નામ સૌથી ઉપર હતું. તેઓ ડીજી હોમ ગાર્ડના પદે ફરજ બજાવતા હતા. અન્ય નામોમાં આઈપીએસ સંજય મુખરજી અને આઈપીએસ રાજેશકુમાર પણ સામેલ હતા. ચૂંટણી પંચે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના ડીજીપી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાને લીધે બંને ભાઈઓ 2 અલગ અલગ રાજ્યના ડીજીપી બન્યા હોય તેવો સંયોગ સર્જાયો છે. વિવેક સહાયના નાનાભાઈ વિકાસ સહાય 1989ની ગુજરાત બેચના આઈપીએસ અધિકારી છે.