ત્રિપલ તલાક અમાનવીય અને ઈસ્લામ વિરોધી: ઝૈનુલ અબેદિન ખાન ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા વડાપ્રધાનને અનુરોધ કરાયો

હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા ગૌવંશનું માંસ દેશના ઘણા સ્થળોએ આરોગવામાં આવે છે. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય છે. દેશના કેટલાક રાજયોની સરકાર પણ ગૌહત્યા રોકવા કડક પગલા ભરી રહી છે ત્યારે ઈસ્લામ ધર્મના પવિત્ર સ્થળ અઝમેર શરીફ દરગાહના મુંજાવર ઝૈનુલ અબેદિન ખાને પણ મુસ્લિમોને ગૌમાંસનો ત્યાગ કરવા અપીલ કરી છે. હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને માન આપી મુસ્લિમોએ ગૌમાંસનો ત્યાગ કરવો જોઈએ તેવું તેમણે કહ્યું છે.

હાલ દેશમાં ત્રિપલ તલાકનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેમણે ત્રિપલ તલાક શરીઆ વિરુઘ્ધમાં હોવાનું કહ્યું હતું. ખ્વાઝા મોઈનુદ્દીન હસન ચીસ્તીના ૮૦૫માં ઉર્ષ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આજે હું અને મારો પરિવાર કયારેય ગૌમાંસ નહી ખાવાના વચનથી બંધાઈએ છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખ્વાઝા હસન ચીસ્તીએ પોતાનું જીવન હિન્દુ અને મુસ્લિમોની શાંતિ માટે વ્યતિત કર્યું હતું. આપણે મુસ્લિમોએ હિન્દુ બિરાદરોની ધાર્મિક લાગણીને માન આપીને ગૌમાંસનો ત્યાગ કરવો જોઈએ. મુંજાવર ઝૈનુલ અબેદિન ખાને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા મુદ્દે લેવાયેલા નિર્ણયને ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી માંસ અને અન્ય વસ્તુઓ માટે ગાયની હત્યા કરતા શખ્સોને રોકી શકાશે. તેમણે ગાયને રાજકીય પ્રાણી જાહેર કરવા વડાપ્રધાનને અપીલ કરી હતી.

તેમણે ત્રિપલ તલાક મામલે કહ્યું હતું કે, ત્રિપલ તલાકને કુરાન અને શહીઆ મંજુરી નથી આપતા. ત્રિપલ તલાક અમાનવીય અને ઈસ્લામવિરોધી હોવાથી તેને જેમ બને તેમ વહેલુ રદ કરવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.


 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.