આર્થિક નાણા ભીડ ભોગવતી મહારાષ્ટ્ર સરકાર માટે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના સોશિયલ મીડિયા એકાઉન્ટના સંચાલન માટે રૂા.6 કરોડનો ખર્ચ માથે આવી પડ્યો છે. અજીત પવાર કે જેમની પાસે નાણા અને આયોજન વિભાગ રહેલ છે તેમણે પોતાના સોશિયલ મીડિયાના સંચાલન માટે કરેલુ ખર્ચ રૂા.6 કરોડ મહારાષ્ટ્ર સરકારને ફાળવવા પડ્યા છે. બુધવારે જાહેર વહીવટી વિભાગે સચિવ આર.એન.મુસાલેના હસ્તાક્ષરથી અજીત પવારના સોશિયલ મીડિયાના એકાઉન્ટ માટે ફાળવેલા રૂા.6 કરોડના ઓર્ડરને ઈસ્યુ કર્યો હતો.
સામાન્ય જન સુધી પહોંચવા અજીત પવારે સોશિયલ મીડિયા એજન્સીને પોતાનું એકાઉન્ટનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે. સામાન્ય જન સુધી સહેલાઈથી પહોંચી શકાય અને લોકસંપર્ક માટે આ નિર્ણય લેવાયો છે.
સચિવ મુસાલેએ આપેલા ઓર્ડરમાં અજીત પવારનું ટ્વીટર, ફેસબુક, બ્લોગર, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ પર કલાઉડ, વોટ્સએપ, બુલેટીન, ટેલીગ્રામના એકાઉન્ટના સંચાલન માટે વધારાની એજન્સીને નિમણૂંક કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીના સચિવ અને મહાનિર્દેશક માહિતી અને પ્રસારણ વિભાગ અને લોકસંપર્ક વિભાગ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેલ્લા કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પર કૌશલ્યવાન હેન્ડલરોના અભાવે સમસ્યા અને મુશ્કેલીઓની ફરિયાદો આવતી હતી. તેના માટે વધારાની એજન્સીને હવે કામ સોંપવામાં આવશે. એકસ્ટર્નલ એજન્સી દ્વારા મેસેજના પ્રસારણ, સમાચાર અને લોકસંપર્કના ટ્વીટર હેન્ડલર, ઈન્ટાગ્રામ, સાઉડ કલાઉડ, વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલ પર અજીત પવારની પ્રવૃતિઓ ટેલીકાસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયે જુલાઈ 2020માં એકસ્ટર્નલ એજન્સીને આ કામગીરી સોંપી હતી અને તેના માટે ઈ-ટેન્ડરીંગ બહાર પાડીને એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. 1200ના સ્ટાફ અને 150 કરોડનો બજેટ ફાળવ્યું છતાં યોગ્ય કામ થતું ન હોવાથી એકસ્ટર્નલ એજન્સીને કામ સોંપ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
ઈન્ફોર્મેશન ટેકનોલોજીના એકસ્પ્રેસ ટ્રેક પર આગળ વધી રહેલી 21મી સદીના દુનિયામાં માહિતી-પ્રસારણ અને પ્રત્યાયનના ડિજીટલ યુગમાં અત્યારે સોશિયલ મીડિયાની બલ્લે-બલ્લે ચાલી રહી છે. દરેક વ્યક્તિ પાસે પ્રસિધ્ધી માહિતી અને સંદેશા વ્યવહારનું એક હાથવગુ હથિયાર બનેલા સોશિયલ મીડિયાના સવિનયપૂર્વકના ઉપયોગથી રંક થી રાજાની સફર સાવ સહેલી બની ગઈ છે. છેવાડાનો માનવી પોતાની કોઠાસુઝ અને સોશિયલ મીડિયાના સદ્ઉપયોગથી રાજ્ય, દેશ જ નહીં પરંતુ દુનિયામાં પોતાની ઓળખ મેળવી શકવા સમર્થ છે પરંતુ અત્યારે સવાલ એ આવીને ઉભો છે કે, આ હથિયારનો ઉપયોગ કરનારા અર્જૂન જેવા કેટલા ? અસરકારક, ધારદાર શસ્ત્રનો જો આડેધડ ઉપયોગ થાય તો તેની અસરકારકતા અને ધાર બુઠી થઈ જાય અને તેની મારકતા ફાયદાના બદલે નુકશાનકર્તા વધુ સાબીત થાય છે. અત્યારે સોશિયલ મીડિયાનું પણ કંઈક આવું જ છે, આડેધડના ઉપયોગથી સોશિયલ મીડિયાની અસરકારકતાની વાત તો એક બાજુ રહી પરંતુ તેના ફાયદા કરતા ગેરફાયદા વધુ થઈ ર્હયાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની સોશિયલ મીડિયા ટીમની અણધણ કાર્યપદ્ધતિને લઈને સોશિયલ મીડિયાને મોતિયો ન આવી જાય તે માટે એકસ્ટર્નલ એજન્સીને કામ સોંપવામાં આવ્યું.