વનડેમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ હજુ પણ અગરકરના નામે: અગરકરના વડપણ હેઠળની પેનલ વિન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટી-20 ટિમ પસંદ કરશે

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અશોક મલ્હોત્રાની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ સાથે વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુમાં હાજર થવા માટે તે એકમાત્ર દાવેદાર હતો. જોકે, અગરકરની આ પદ નિમણૂક નિશ્ચિત માનવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ માત્ર નિમણૂકની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માંગતી હતી, તેથી તેને અરજી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ચાર્જ સંભાળ્યા પછી અજીત અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. અજીત અગરકર ચેતન શર્માનું સ્થાન લેશે. ચેતન શર્મા એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા હતા જેમાં તેમણે બોર્ડની અંદરની વાતો જાહેર કરી દીધી હતી.

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરે 110 પ્રથમ શ્રેણી, 270 લિસ્ટ A અને 62 ટી20 મેચ રમી છે. તેણે દેશ માટે 26 ટેસ્ટ, 191 વનડે અને ચાર ટી20 મેચ રમી હતી.2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ભાગ હતા.વનડેમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ હજુ પણ તેના નામે છે. તેમણે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામે 21 બોલમાં આ અડધી સદી ફટકારી હતી. તેમણે માત્ર 23 વનડેમાં 50 વિકેટ હાંસલ કરી અને લગભગ એક દાયકા સુધી સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બોલર હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમને મુંબઈની વરિષ્ઠ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે દિલ્હી કેપિટલ્સ સાથે કોચિંગની ફરજો સંભાળી. ક્રિકેટ સલાહકાર સમિતિએ વરિષ્ઠતાના આધારે પુરૂષ પસંદગી સમિતિના અધ્યક્ષની ભૂમિકા માટે અગરકરના નામની ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.