૧૧ દિવસમાં આજીડેમમાં ૧૪૧ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાયું: ૨૫ ફુટ સુધી ડેમને સૌની યોજના અંતર્ગત ભરાશે
ઉનાળાના દિવસોમાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની જીવાદોરી એવા આજી ડેમને સૌની યોજના અંતર્ગત ફરી નર્મદાના નીરથી ભરી દેવાનો નિર્ણય કર્યો છે. ગત ૧૦મી માર્ચથી આજીમાં નર્મદાના નીર ઠલવાય રહ્યા છે. આજે બપોર સુધીમાં ૨૯ ફુટે ઓવરફલો થતા આજીની સપાટી ૨૦.૧૦ ફુટે પહોંચી ગઈ હતી. રાજકોટને મે માસ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે.
રાજકોટની જળજ‚રીયાત સંતોષવામાં જેનો મુખ્ય ફાળો છે તેવા આજી ડેમને નર્મદાના નીરથી બારેમાસ ભરેલો રાખવા માટે રાજય સરકાર દ્વારા અબજો રૂપિયાના ખર્ચે મચ્છુ-૧ ડેમથી આજીડેમ સુધી પાઈપલાઈન બિછાવવામાં આવી છે. ગત વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેકટનું લોકાર્પણ કરાયું હતું. તાજેતરમાં રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ફરી રાજકોટના આજીડેમને નર્મદાના નીરથી ભરી દેવાની મંજુરી આપી હતી. ગત ૧૦મી માર્ચથી આજી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાઈ રહ્યું છે. આ પૂર્વે આજી ડેમમાં માત્ર ૨૮૭ એમસીએફટી પાણી સંગ્રહિત હતું. છેલ્લા ૧૦ દિવસમાં આજીડેમમાં નર્મદાનું ૧૪૧ એમસીએફટી નવું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. હાલ શહેરની જળજરૂરીયાત સંતોષવા માટે આજીડેમમાંથી ૧૧૦ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખવામાં આવે તો હાલ રાજકોટને મે માસ સુધી ચાલે તેટલું પાણી આજીમાં સંગ્રહિત છે. ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા આજી ડેમને સૌની યોજના અંતર્ગત ૨૫ ફુટ સુધી ભરવામાં આવશે.
ભાદર ડેમમાં રાજકોટને ચોમાસા સુધી ચાલે તેટલો પુરતો જળજથ્થો ઉપલબ્ધ છે તો ન્યારી ડેમમાં પણ મે માસ સુધીનો જથ્થો હોય ઉનાળાના અંતિમ દિવસોમાં ન્યારી ખાલી થઈ જશે ત્યારે વધારાનું નર્મદાનું નીર ઉપાડી શહેરીજનોને ૨૦ મીનીટ નિયમિત પાણી આપવામાં આવશે તેવી ખાતરી આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા વધુ એક વખત આપવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,