મધરાતે ૨ વાગ્યે આજી-૧ ડેમ ઓવરફલો થયો મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત વેળાએ આજી ડેમમાં નવા નીરના વધામણા કર્યા: ડેમસાઈટ પર જનમેદની ઉમટી: રાજકોટનું જળસંકટ હલ

રાજકોટવાસીઓ જે અવસરની ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી અંતે આવી પહોંચી છે. રાજકોટનો આજી-૧ ડેમ ગત મધરાતે ૨ વાગ્યે ઓવરફલો થઈ ગયો છે. આજે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજી ડેમ સાઈટ જઈ નવા નીરના વધામણા કર્યા હતા. આજી છલકાઈ ગયો હોવાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી જતા આજે સવારથી ડેમસાઈટ પર જંગી માનવમેદની ઉમટી પડી હતી. મેઘરાજાએ રાજકોટનું જળસંકટ હલ કરી દીધું છે. બીજી તરફ ડેમમાં પણ અનરાધાર આવક ચાલુ રહેતા ગઈકાલે ડેમની સપાટી ૧૯ ફુટે પહોંચતા ૪ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.

DSC 0377રાજકોટની જળજરૂરીયાત સંતોષવામાં સિંહ ફાળો આપતા આજીડેમ છેલ્લા ૪ દાયકામાં માત્ર ૧૧ વખત જ ઓવરફલો થયો હોય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના રહેવાસી હોવાના કારણે આજીડેમ સાથે તેઓ વિશેષ લગાવ ધરાવે છે. ભવિષ્યમાં રાજકોટને પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે તેઓએ અંગત રસ લઈ આજીડેમને નર્મદાના નીરથી કાયમી ભરેલો રાખવા માટે યુદ્ધના ધોરણે ૩૭૧ કરોડના ખર્ચેના વાંકાનેર નજીક આવેલા મચ્છુ-૧ ડેમથી આજી-૧ ડેમના સ્ત્રાવ વિસ્તાર સુધીના ૩૧ કિલોમીટરના વિસ્તારમાં મહાકાય પાઈપ લાઈન બિછાવવાનું કામ પૂર્ણ કરાવ્યું હતું.

20170729 090217ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ શુકનવંતા કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજી ડેમને અડધો અડધ એટલે કે ૧૪.૫૦ ફુટ નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ અનરાધાર મેઘકૃપા વરસતા આજે બરાબર એક માસ બાદ આજીડેમ ઓવરફલો થઈ ગયો છે.

૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા અને ૯૩૩ એમસીએફટીની જળસંગ્રહશકિત ધરાવતો આજીડેમ ગઈ મધરાતે ૨ વાગ્યે ઓવરફલો થયો હતો. છેલ્લે આજીડેમ તા.૨૭/૯/૨૦૧૩ના રોજ ઓવરફલો થયો હતો. છેલ્લા ૪ વર્ષથી સંતોષકારક વરસાદ ન થવાના કારણે આજી છલકાયો નથી. ૪ વર્ષના લાંબા અંતરાળ બાદ આજી ઓવરફલો થતા રાજકોટવાસીઓના હૈયે હરખ સમાતો નથી.

20170729 085729આજે અલગ-અલગ કાર્યક્રમોમાં સામેલ થવા રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં આગમન કરતાની સાથે જ તેઓ સૌપ્રથમ આજીડેમ સાઈટ ખાતે પહોંચી ગયા હતા. અહીં તેઓએ ડેમમાં શ્રીફળ પધરાવી આજીડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા. આ તકે તેઓની સાથે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. ગત ૨૯મી જુનના રોજ મુખ્યમંત્રીએ આજીનું નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને બરાબર એક મહિના બાદ એટલે આજે ૨૯મી જુલાઈના રોજ સીએમએ આજીમાં મેઘરાજાએ ઠાલવી દીધેલા નવા નીરના વધામણા કર્યા છે. આજી ઓવરફલો થયાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી જતા સવારથી રાજકોટવાસીઓ ડેમસાઈટ પર ઉમટી પડયા હતા.

 

ન્યારી-1 ડેમના દરવાજાઓ બંધ કરાયા

ડેમની સપાટી ૨૦ ફુટે પહોંચી જતા ગઈકાલે રાત્રે ૪ દરવાજા ખોલાયા હતા: પાણીની આવક ઘટતા દરવાજા ફરી બંધ

ડેમની ઉંચાઈમાં વધારો કરાયા બાદ ગઈકાલે પ્રથમ વખત ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ બંધ થતા અને પાણીની આવકમાં ઘટાડો નોંધાતા ગણતરીની કલાકોમાં ડેમના ચારેય દરવાજા ફરી બંધ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેમમાં નવું ૧ ફુટ પાણી આવતા હાલ ડેમની સપાટી ૨૦.૨૦ ફુટે પહોંચી જવા પામી છે.

IMG 20170728 231313આ અંગે સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૨૫.૧૦ ફુટે ઓવરફલો થતા ડેમની સપાટી ગઈકાલે સાંજે ૨૦ ફુટે પહોંચી જતા સલામતીના ભાગરૂપે અને નિયમ મુજબ ડેમના ૧૧ પૈકી ૪ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પાણીની આવક ઘટતા ગણતરીની કલાકોમાં ફરી ડેમના તમામ દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યારી ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે અને ડેમ પર ૧૧ દરવાજા મુકવામાં આવ્યા છે. ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાને આ પ્રોજેકટનું લોકાર્પણ કર્યા બાદ ગઈકાલે રાત્રે પ્રથમ વખત ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેમમાં નવું ૧ ફુટ પાણી આવતા ૨૫.૧૦ ફુટની ઉંડાઈ ધરાવતા ડેમની સપાટી હાલ ૨૦.૨૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૭૪૪ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમ ૬૫ ટકા ભરાઈ ગયો છે. હજી ચોમાસાની સીઝન બાકી હોય. ઉંચાઈ વધાર્યાના પ્રથમ વર્ષે ન્યારી ડેમ છલકાય જાય તેવી સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.