આજી-1માં 5 જુલાઇ સુધી, ન્યારી-1માં 31 જુલાઇ સુધી અને ભાદરમાં 15 ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી: હવે નર્મદાનું નીર ઓછું મળશે તો પણ પાણીની રામાયણ સર્જાશે
શહેરની જળ જરૂરીયાત સંતોષતા આજી, ન્યારી અને ભાદર ડેમમાં પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય અને જળાશયોમાં પાણીની આવક નહીં થાય તો પણ શહેરમાં પાણીની કોઇ પરેશાની ઉભી નહીં થાય. તંત્રની અણઆવડતના કારણે શહેરમાં પાણીની રામાયણ સર્જાય રહી છે. જો નર્મદાના નીર નહીં મળે કે ઓછા મળશે તો વિતરણ વ્યવસ્થા પર ચોક્કસ અસર થશે. બોર ડૂકવાના કારણે હવે ટેન્કરો દોડવા માંડ્યા છે. ઓછા ફોર્સથી અને અપૂરતા વિતરણથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમની જીવન જળ સપાટી હાલ 21.30 ફૂટ છે અને ડેમમાં 15 ઓગષ્ટ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે આજી-1 ડેમની સપાટી 29 ફૂટની છે અને તેમાં 19.90 ફૂટ પાણી ભરેલું છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ 5 જુલાઇ સુધી ચાલે તેમ છે. જ્યારે ન્યૂ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા અને 25 ફૂટની ઉંચાઇ ધરાવતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 15.90 ફૂટ છે અને ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે.
જળાશયોમાં પૂરતું પાણી હોવા છતાં તંત્રની અણઆવડતના કારણે રાજકોટવાસીઓએ પાણીકાપ વેઠવો પડે છે. કાળજાળ ઉનાળામાં બોર ડૂકી ગયા છે. જેના કારણે હવે ટેન્કર વધુ માત્રામાં દોડવા લાગ્યા છે. જળાશયોમાં પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ હોવા છતાં એક યા બીજી રીતે રાજકોટ નર્મદાના નીર પર છે. આવામાં જો નર્મદાનું પાણી સદંતર નહીં મળે કે ઓછું મળશે તો પણ વિતરણ વ્યવસ્થા પર અસર પડશે.