- રાજકોટવાસીઓની જીવાદોરી સમાન આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો
અબતક, રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર મેઘો વરસી રહ્યો છે. ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ છે. રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ 20 મી વખત ઓવરફ્લો થયો છે. 29 ફૂટની સપાટીએ આજીડેમ ઓવરફ્લો થયો છે.શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા બુધવાર સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. જેના નયનરમ્ય દ્રશ્યો આવ્યા છે.રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ છલકાતાં છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પૂરાયેલા લોકો નયનરમ્ય નજારો માણવા આજી ડેમ ઊમટી પડ્યા હતા. પરંતુ સુરક્ષાના લીધે ત્યાં બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ સ્ટાફે લોકોને ત્યાંથી દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ દૂરથી પણ ઓવરફ્લો થયેલા ડેમની મોજ માણી હતી.રાજકોટ શહેરની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે આ ડેમ આજી નદી ઉપર ઈ.સ. 1952 માં બનાવ્યો હતો. આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ આજી ડેમ રાખવામાં આવ્યું છે.