૨૯ ફૂટે ઓવરફલો થતા આજીની સપાટી નર્મદા મૈયાના પ્રતાપે ૧૪.૫૦ ફૂટે આંબી ગઇ: ૨૩૨ એમસીએફટી પાણી સંગ્રહિત

સામાન્ય રીતે ચોમાસાની સીઝન અડધી વીતી જવા છતાં ભુતકાળમાં કયારેય અડધો ન ભરાયેલો આજી ડેમ ચાલુ વર્ષે નર્મદા મૈયાના પ્રતાપે ૧૪.૫૦ ફૂટ એટલે કે, અડધો અડધ ભરાઈ ગયો છે. જળસંગ્રહ શક્તિના હિસાબે ગણતરી કરવામાં આવે તો ડેમ માત્ર ૨૫ ટકા જ ભરાયો છે. દરમિયાન મચ્છુ-૧ ડેમથી આજી ડેમ સુધી જે પાઈપ લાઈન બિછાવવામાં આવી છે ત્યાં પમ્પીંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે સવારે ૬ કલાક સુધીમાં આજી ડેમ ૧૪.૫૦ ફૂટ ભરાઈ ગયો હતો. ડેમમાં વરસાદના પાણીની નજીવી આવક થઈ છે. મોટાભાગનું પાણી નર્મદાનું છે. ૨૯ ફૂટે ઓવરફલો થતો આજી ડેમ ઈતિહાસમાં પ્રથમવાર વરસાદ વિના અડધો-અડધ ભરાઈ ગયો છે. ૯૩૩ એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતા આજી ડેમમાં હાલ ૨૩૧.૬૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજી ૫૦ ટકા ભરાઈ જતા હાલ પમ્પીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જો ચોમાસાની સીઝન દરમિયાન આજી ડેમ નહીં ભરાય તો તેને નર્મદાના નીરથી ઓવરફલો કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.