29 ફૂટની ઉંડાઈ ધરાવતા આજી ડેમની સપાટી 28.50 ફૂટે આંબી: ડેમના સ્ત્રાવ વિસ્તારમાં હવે સામાન્ય વરસાદ પડશે તો પણ આજી થઈ જશે ઓવરફલો

ચાલુ સપ્તાહે મેઘરાજાએ અનરાધાર મહેર વરસાવતા રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા પાંચ પૈકી ત્રણ જળાશય છલકાઈ ગયા છે. ભાદર ડેમમાં રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. શહેરીજનોને સૌથી પ્રિય એવો આજી ડેમ બપોરે છલોછલ ભરાઈ ગયો છે. મધરાત સુધીમાં આજી ઓવરફલો થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. 29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી 28.50 ફૂટે પહોંચી જવા પામી છે. સ્ત્રાવ વિસ્તારમાં હવે સામાન્ય ઝાપટુ પડશે તો પણ આજી છલકાઈ જશે.

aji dem 21

આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન આજી ડેમમાં વધુ 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે. 29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી 28.50 ફૂટે પહોંચી જવા પામી છે. સવારે સ્ત્રાવ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો જેના કારણે સપાટીમાં નજીવો વધારો થયો છે. જો કે છેલ્લી છ કલાકથી ડેમની સપાટી યથાવત છે. 917 એમસીએફટીની સંગ્રહ શક્તિ સામે આજીમાં હાલ 888 એમસીએફટી પાણી સંગ્રહિત છે. 15મી માર્ચ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં ભરેલું છે. ડેમના સ્ત્રાવ વિસ્તારમાં આવેલા તમામ ચેકડેમો છલોછલ હોય જો સાંજે અથવા રાત્રે વરસાદનું સામાન્ય ઝાપટુ પણ પડશે તો આજી ઓવરફલો થઈ જશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સીઝનમાં પ્રથમ ત્રણ માસ દરમિયાન ડેમમાં માત્ર 25 એમસીએફટી જ વરસાદનું પાણી આવ્યું હતું. વરસાદ ખેંચાવાના કારણે ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા પરંતુ મેઘરાજાએ સોમવારે અનરાધાર હેત વરસાવતા આજી ડેમ એક જ દિવસમાં સંગ્રહ શક્તિના 50 ટકા જેટલો ભરાઈ ગયો હતો. આજે મધરાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ડેમ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.