ભાદર ડેમના ર4 દરવાજા 1.50 મીટર અને ન્યારી-1 ડેમનો 1 દરવાજો 1 ફુટ ખુલ્યો: આજી 0.25 મીટરે સતત ઓવર ફલો

ભાદર અને ન્યારી ડેમ ર4મી વખત જયારે આજી ડેમ 19મી વાર છલકાયો: ડેમ સાઇટ પર માનવ મહેરામણ ઉમટયો

રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણેય જળાશયોને મેધરાજાએ એક જ દિવસમાં છલકાવી દીધા છે. એક દશકા બાદ આવી ઘટના બની છે. વર્ષ 2013 માં રાજકોટમાં એક જ દિવસ ર4 ઇંચ વરસાદ પડતા ભાદર, ન્યારી-1 અને આજી-1 ડેમ ઓવરફલો થઇ ગયા હતા. ગઇકાલે ફરી એક દિવસમાં જ આ ત્રણેય ડેમ છલકાય ગયા હતા. હજી આ ત્રણેય જળાશયો ઓવરફલો થઇ રહ્યા છે. જુલાઇ માસમાં આ ત્રણેય ડેમ ઓવરફલો થયા છે.

શનિવારથી રવિવાર બપોર સુધીમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદના કારણે જળાશયો છલકાય ગયા હતા. સૌરાષ્ટ્રના દરિયા ગણાતા બીજા નંબરના સૌથી મોટો ડેમ એવો ભાદર-1 ડેમ કાલે બપોરે ઓવર ફલો થઇ ગયો હતો. ડેમ છલકાયા બાદ પાણીની માતબર આવક ચાલુ રહેતા ડેમના તમામ ર9 દરવાજા ખોલી નાંખવાની ફરજ પડી હતી. ભાદર ડેમ બન્યા બાદ ર4મી વખત ઓવરફલો થઇ ગયો હતો. હેઠવાસના રર ગામના લોકોને સાવચેત કરી દેવામાં  આવ્યા હતા.

આજે સવારે પણ ભાદર ડેમના ર4 દરવાજા 1.50 મીયર ખુલ્યા છે. આ ઉપરાંત રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ પણ ગઇકાલે સવારે ઓવર ફલો થઇ ગયો હતો. આજી ડેમ 19મી વાર છલકાયો છે ડેમ આજે સવારે 0.254 મીટરની સપાટીએ ઓવર ફલો થઇ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલીકાની માલીકીના એકમા ત્ર ન્યારી-1 ડેમ પણ ગઇકાલે ઓવર ફલો થઇ ગયો હતો. સવારે ડેમનો 1 દરવાજો 0.3 મીટર ખુલ્લો છે.

મેધરાજાએ રાજકોટનું  જળ સંકટ હલ કરી દીધું છે. રૂલલેવર જાળવવા માટે ભાદર ડેમને હાલ 32.60 ફુટ  જયારે ન્યારી-1 ડેમને 23.50 ફુટની સપાટીએ ભરવામાં આવશે. આજથી દશ વર્ષ પહેલા 2013માં એક જ દિવસમાં ભાદર, આજી અને ન્યારી ડેમ ઓવર ફલો થયા હતા. જુલાઇ માસમાં ડેમ ઓવર ફલો થયા હોવાની આ પ્રથમ ઘટના હશે. જળાશયો છલકાતા જળ વૈભવ નિહાળવા લોકો મોટી સંખ્યામાં ડેમ સાઇટ ખાતે ઉમટી પડયા હતા.

ભાદર ડેમના રૂલર લેવલ મુજબ આ મહિનામાં 32 ફૂટ ડેમ ભરી શકાય છે. હાલ હજુ ચોમાસુ બાકી છે. જુલાઈ મહિના સુધી ભાદર ડેમની પાણીની સપાટી 32 ફૂટની રાખી શકાય. 32 ફૂટની ઉપરની સપાટીમાં પાણીની જે આવક થાય, તે પાણી છોડવાનું રહેશે. તેવું ફ્લડ કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે.ફ્લડ કંટ્રોલમાંથી 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમા

ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગારા, લુણાગરી, વાડસડા ગામ, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા ગામ, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી અને ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવી અને નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ દ્વારા સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.