અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં નવુ સવા ફૂટ પાણી આવ્યુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સોમવારે મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો. છતા આજી-3 ડેમ સહિત બે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી. એકપણ ડેમ પર વરસાદ પડ્યા હોવાનું નોંધાયુ નથી.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના આજી-2 ડેમમાં વધુ 2.53 ફુટ પાણીની આવક થવા પામી છે. 26.70 ફૂટની ઉંડાઇ ધરાવતા આજી-3 ડેમની સપાટી 18.90 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 721 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દરમિયાન રવિવારે રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થવાના કારણે ડેમના 18 પૈકી 3 દરવાજા એક ફૂટ સુધી ખોલી નાંખવાની ફરજ પડી હતી. ડેમમાંથી 2034 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં નવુ 1.18 ફૂટ પાણીની આવક થવા પામી હતી. 25 ફૂટની ઉંચાઇ ધરાવતા સાકરોલી ડેમની સપાટી 6.90 ફૂટે પહોંચી જવા પામી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ એકમ નોંધાયેલા ડેમ પૈકી માત્ર બે જ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ડેમમાં 23.28 ટકા, જામનગર જિલ્લાના ડેમમાં 10.09 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમમાં 2.07 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના ડેમમાં 13.27 ટકા જળાશયો ઉપલબ્ધ છે.
છેલ્લા 24 કલાકમાં 39 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્ર અને મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થવા પામી હતી. જો કે હજુ અમુક ડેમો એવા છે કે પાણીની સપાટીમાં કોઇપણ જાતનો વધારો થયો નથી.