સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે ધનવંતરી ચિકિત્સાલય ખુલ્લુ મુકાયું
સોમનાથ ટ્રસ્ટ અને અદાણી ગ્રુપના સહયોગ દ્વારા સોમનાથ ખાતે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રનું ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ અને ધનવંતરી ચિકિત્સાલયનું લોકાર્પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર શ્રી અજય પ્રકાશે જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વધુ બે સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી લોકોને રોજગારલક્ષી તાલીમ અને આરોગ્યની સારવાર મળી રહેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અનુસૂચિત જાતિના યુવક યુવતીઓને આ તાલીમકેન્દ્રમાં તાલીમ આપવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે. ડી.પરમારએ કહ્યું હતું કે, ધનવંતરી ચિકિત્સાલયના માધ્યમથી લોકોને આરોગ્યની સારવાર આપવામાં આવશે. યાત્રિકોને તેમજ ગ્રામજનોને પણ આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે. રોજગારલક્ષી તાલીમ કેન્દ્રમાં અનુસૂચિત જાતિના ૧૮ કે તેથી વધુ વર્ષના વયમર્યાદા ધરાવતા ભાઈ-બહેનોને કોમ્પ્યુટરલક્ષી અને સીવણ કાર્યની તાલીમાર્થીઓને ત્રણ માસની તાલીમ આપવામાં આવશે. ધનવંતરી ચિકિત્સાલયમાં ડો. સાવલિયા અને ડો. હંસાબેન સેવા આપશે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત કલ્યાણશ્રી આનંદબેન ખાચર, અદાણી ગ્રૂપના ગિરિશભાઈ પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.