- રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, વઢવાણ, કેશોદ, મહુવા, બોટાદ સહિતની બેઠકો ઉપર પાંચ ટર્મથી સતત ભાજપનો દબદબો
- મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો કોંગ્રેસનો ગઢ બન્યાં
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પક્ષો જીત માટે કામે લાગી ગયા છે. પણ વિધાનસભાનો ભૂતકાળ જોઈએ તો 47 બેઠકો ભાજપનો અજય ગઢ રહી છે. જ્યાં ભાજપનું છેલ્લા 24 વર્ષથી એકધારું સાશન રહ્યું છે.
ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી લગભગ ચોથા ભાગની બેઠકોમાં 1998થી મતદારોએ એક જ પક્ષને જીતવ્યો છે. મતદારોએ રાજ્યભરમાં 47 બેઠકો પર ભાજપના ઉમેદવાર અથવા ભાજપ પક્ષમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. જેને પરિણામે આ બેઠકો ઉપર છેલ્લી 5 ટર્મથી ભાજપ જ જીતી રહ્યું છે.
ભાજપની મોટાભાગની અજેય બેઠકો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પડે છે. જ્યારે કોંગ્રેસે લગભગ ત્રણ દાયકાથી સત્તાની બહાર હોવા છતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં તેના ગઢ જાળવી રાખ્યા છે.
2012 માં સીમાંકનને કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેને મતદારોના આધારમાં મોટા પાયાની ગોઠવણીનો સામનો કરવો પડ્યો હતો ત્યારથી આ 47 બેઠકોમાં કોઈ સત્તા પરિવર્તન થયું નથી તે નોંધપાત્ર છે.
મતદારોએ છેલ્લા 22 વર્ષથી ભાજપને સતત સમર્થન આપતી વિસનગર, મહેસાણા, ઇડર, એલિસબ્રિજ, નરોડા, મણિનગર, સાબરમતી, અસારવા, વઢવાણ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, કેશોદ, મહુવા (ભાવનગર), બોટાદ, નડિયાદ કલોલ (પંચમહાલ), વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, રાવપુરા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, સુરત ઉત્તર, સુરત પશ્ચિમ, ચોર્યાસી, જલાલપોર, નવસારી, ગણદેવી અને વલસાડ સહિતની બેઠકો ઉપર ભાજપને વિજયી બનાવ્યું છે.
જે બેઠકો પર મતદારો કોંગ્રેસને વફાદાર રહ્યા છે તેમાં ખેડબ્રહ્મા, દરિયાપુર, જમાલપુર-ખાડિયા,બોરસદ, મહુધા, વ્યારા, દાંતા, કપરાડા, વાંસદા, ભિલોડા અને વડગામનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભા બેઠક અપવાદ છે. તે 1998 થી સતત પાંચ વખત કોંગ્રેસ દ્વારા જીતવામાં આવી હતી. પરંતુ 2017 ની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીતી.
કોંગ્રેસની ટિકિટ પર ઘણી વખત જીતેલા આદિવાસી પટ્ટાના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કેટલાક અપવાદો હોવા છતાં, આદિવાસી સમુદાય કોંગ્રેસની સાથે ઉભો રહ્યો છે અને સમુદાયમાંથી સંખ્યાબંધ મજબૂત નેતાઓ ઉભરી આવ્યા છે.
- લોકસભા બેઠકોનું ગણિત અલગ જ રહ્યું, તેની બેઠક જીત છતાં વિધાનસભા બેઠકમાં હાર મળી છે!
અમુક અંશે અનેક બેઠકોના મતદારો સામાન્ય ચૂંટણીઓમાં પણ પોતપોતાના પક્ષોને વફાદાર રહ્યા છે. 2019માં ભાજપે તમામ 26 લોકસભા બેઠકો જીતી હોવા છતાં, કોંગ્રેસને તેના ગઢની નવ વિધાનસભા બેઠકોમાં મોટી લીડ મળી હતી. 2014 માં પણ, જ્યારે ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ 17 વિધાનસભા બેઠકો પર આગેવાની કરી હતી.
- 2002ની ચૂંટણી બાદ ભાજપે 8 નવા અજય ગઢ બનાવ્યા
વર્ષ 1998થી અત્યાર સુધી જ્યાં ભાજપનો જ વિજય થતો હોય તેવા 47 ગઢ એટલે કે બેઠકો છે. પણ વર્ષ 2002ની ચૂંટણીથી ભાજપને આવા અજય ગઢ વધારવામાં સફળતા મળી છે. જો 2002 પછીની છેલ્લી 4 ચૂંટણીઓને ધ્યાનમાં લેવામાં આવે તો આવા ભાજપના અજય ગઢની સંખ્યા 8 વધીને કુલ 55 થાય છે. આ બેઠકો ઉપર સતત ભાજપના ઉમેદવારો વિજયી થઈ રહ્યા છે.
- આપ કોંગ્રેસના મત ખાઈ તેવી શકયતા, ભાજપને ફાયદાની આશા
રાજ્યમાં મુખ્યત્વે આપ ખૂબ ઝડપથી ઉભરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે, પક્ષના સૂત્રો કહે છે કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી મતોમાં રૂપાંતરિત કરવા માટે સંઘર્ષ કરશે. તે એવું પણ માને છે કે આપ કોંગ્રેસના મતો ખાઈ શકે છે, જે ભાજપ પાર્ટી માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.
- વર્ષ 2017ની ચૂંટણી જીતવી ભાજપ માટે કપરી સાબિત થઈ
ભાજપ પક્ષએ 2017માં ચૂંટણી જીતવા સખત પડકારનો સામનો કર્યો હતો પરંતુ તેણે ઓછા માર્જિન સાથે લગભગ 50% મતો સાથે આશ્ચર્યજનક જીત મેળવી હતી. 2017માં પાટીદાર સમુદાયની રાજ્યવ્યાપી નારાજગી, જીએસટી શાસનને લઈને વેપારીઓમાં નારાજગી તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન જેવા સ્થાનિક પ્રશ્નોને કારણે ભાજપ માટે આ ચૂંટણી કપરી સાબિત થઈ હતી.
- બુકી બજારના મતે ભાજપને 134 બેઠક મળશે
ચૂંટણી જાહેર થતા જ બુકી બજારમાં ગરમાવો આવી ગયો છે. બુકી બજારના મતે ભાજપને 134, કોંગ્રેસને 22 અને આપને 17 બેઠકો ઉપર વિજય મળશે. ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠક જીતશે તેનો ભાવ બુકીઓ દ્વારા મોબાઈલ આઈડી ઉપર ખોલી નાખવામાં આવ્યો છે. આ પ્રમાણે ગુજરાતમાં ભાજપ 132થી 134 બેઠક જીતી શકશે છે. મતલબ કે જો કોઈ પંટર એમ કહીને 10,000 રૂપિયા લગાવે કે ભાજપ 134 બેઠક જીતી જશે અને જો ભાજપ આટલી બેઠક જીતી જાય તો પંટરને 10,000 રૂપિયા મળે છે અને જો ભાજપ 133 બેઠક જીતે છે તો પંટરે બુકીને 10,000 રૂપિયા ચૂકવવાના થશે.