લાખો લોકોની સુખાકારી સાથે જોડાયેલ રણ સરોવર યોજના અંગે પાટીદાર રત્ન જયસુખભાઇની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક કરી હતી
અબતક,ઋષીમ હેતા, મોરબી
સરકાર તરફથી અપાતા પોઝીટીવ અને સન્માનીય એપ્રોચના ભાગરૂપે અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે તા. 18-02- અને તા. 21-02-2022 ના રોજ મનસુખ માંડવીયા (હેલ્થ મીનીસ્ટર), ગજેન્દ્ર સિંહ સેખાવત (જલશકિત અને એગ્રીકલ્ચર મીનીસ્ટર-દિલ્હી), કૃષિ મંત્રીપુરૂષોત્તમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા મીનીસ્ટર (આયુષ વિભાગ, રાજ્ય મંત્રી) તથા રાજ્યસભાના સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા સાથે ફરી વખત મીટીંગ યોજી હતી.આ મીટીંગમાં “રણ સરોવર” અંગે ઉચ્ચ અધીકારીઓની હાજરીમાં ઉંડાણ પૂર્વક ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને સરકાર તરફથી દરેક બાબતે પોઝીટીવ વ્યુહ આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કચ્છના નાના રણમાં દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર સ્થિત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી અનેક નદીઓનું પાણી એકત્ર થાય છે અને કુદરતી રીતે જ રણમાં સરોવર બને છે. પરંતુ ધીરે ધીરે આ મીઠું પાણી ખારું બની જાય છે, કારણ કે તેમાં દરિયાનું પાણી ભળી જાય છે. વાસ્તવમાં આ આખી જમીન અરબી સમુદ્ર સાથે જોડાયેલ હડકિયા કીર્ક સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું ખારું પાણી 50 કિલોમીટર સુધી આ મીઠા પાણીના સરોવરમાં ભળી જાય છે અને પછી વરસાદનું એકઠું થયેલું તમામ મીઠું પાણી ખારું થઈ જાય છે.
આ સમગ્ર જમીન પર વિવિધ સંસ્થાઓ વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા બાદ જયસુખભાઈ એક નિષ્કર્ષ પર આવ્યા અને એક એવુ સ્વપ્ન જોયું કે, આ ઉજ્જડ જમીનને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય છે, કચ્છના નાના રણમાં એકત્ર થતું આ મીઠા પાણીના સરોવરમાં દરિયાના ખારા પાણીને જતા રોકવામાં આવે તો અહીં નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સ્ટોર થઇ શકે અને એશિયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બની શકે છે.
ગુજરાતનો સૌથી પછાત વર્ગ એવા અગરિયા કામદાર જે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરે છે. આ લોકોની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમની રોજની આવક ખુબજ નજીવી છે. આ એવા કામદારો છે કે, જેઓ નાના રણમાં છેલ્લા 50 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે.આવી સ્થિતિમાં રણ સરોવર પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ સરકાર તરફથી અગરિયાઓને ખેતી માટે જમીન મત્સ્યઉદ્યોગ તેમજ પર્યટનના વિશેષ અધિકાર આપવામાં આવે તો તેમની આવકમાં 6 થી 7 ગણો વધારો થશે અને ભોજનની સાથે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ મેળવી શકશે
કોઈપણ પ્રકારના ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ 200 થી 300 કરોડ ના ખર્ચે આશરે એકથી દોઢ વર્ષના સમયમાં જ આ વેડફાઈ જતા પાણી ને રોકી શકાય તેમ છે. જો આ પ્રોજેકટને વહેલી તકે મંજૂરી મળે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગુજરાતને મળશે.