વિસ્ફોટક સામગ્રી સાથેનું બોકસ, છરી અને દાતરડું કબ્જે : ચોટીલાના નવાગામના શખ્સે બોમ્બ સાથે એરપોર્ટ જવાનો હોવાની કબૂલાત આપી નાકરાવાડી પાસે બોમ્બ ડિસ્પોઝ કરાયો: એસ.ઓ.જી.એ તપાસ હાથ ધરી: બોમ્બ સાથે કુવાડવા પોલીસ મથકમાં દલિત શખ્સ ઘુસ્યો
રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના આગમન ટાંકણે એરપોર્ટને બોમ્બથી ઉડાવવાના પ્લાન સાથે નિકળેલો શખ્સ ઝડપાતા શહેરભરમાં દહેશત વ્યાપી જવા પામી છે.
કુવાડવા રોડ પોલીસ મથકમાં રાત્રે સાડા ત્રણ વાગ્યાના સુમારે આશરે ૧૮ થી ૨૦ વર્ષનો યુવાન હાથમાં છરી સાથે આવી પી.એસ.ઓ.ને પોતાની પાસે બોમ્બ હોવાનું કહી એરપોર્ટ જવાનું જણાવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો. પોલીસે સમય સુચકતા દાખવી તુરંત છરી સાથે ચોટીલાના નવાગામના દલિત શખ્સને ઝડપી તેની પાસે રહેલો થેલો ઝૂંટવી ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. બોમ્બ ડીસ્પોઝ કરવા પોલીસની ટીમ નાકરાવાડી ઘસી ગઇ હતી. બીજી તરફ એસ.ઓ.જી.ની ટીમે માનસિક અસ્વસ્થ જણાતા દલિત શખ્સને સાથે લઇ તપાસ અર્થે ચોટીલા ગયા હતા. બોમ્બ સાથે પોલીસ મથકમાં શા માટે આવ્યો અને તેનો ઇરાદો શું હતો તે અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ અંગેની પોલીસસુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગતરાતે સાડા ત્રણ વાગ્યાના સુમારે કુવાડવા પોલીસ મથકમાં પી.એસ.ઓ. તરીકે અંસુમનભા નારણભા ગઢવી ફરજ પર હતા ત્યારે એક શખ્સ હાથમાં થેલો અને બીજા હાથમાં છરી સાથે આવી પોતાની પાસે બોમ્બ હોવાનું જણાવતા પી.એસ.ઓ. અંસુમનભા ગઢવીએ અન્ય સ્ટાફની મદદથી ઝડપી તેની પાસેથી છરી અને થેલો કબ્જે કરી પી.આઇ. એ.આર.મોડીયાને જાણ કરી હતી.
કુવાડવા પોલીસ મથકમાં બોમ્બ સાથે ઘસી આવેલા શખ્સની પૂછપરછ કરતા તે ચોટીલા તાલુકાના નવાગામનો વતની હોવાનું અને પોતાનું નામ ગણપત વાલભાઇ ખવડુ હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછ દરમિયાન તેને એરપોર્ટ જવાનું હોવાની કબૂલાત આપી હતી.
ગણપત ખવડુના થેલામાંથી એક બોકસમાં ગન પાવડર, હિન્દી ફિલ્મમાં બતાવવામાં આવતા લાલ કલરના પ્લાસ્ટીકના નાના પાઇપ, ઇલેકટ્રીક વાયર અને બેટરી મળી આવ્યા હતા તેમજ એક દાતરડુ પણ થેલામાંથી મળી આવતા બોમ્બ વિસ્ફોટ થવાની દહેશતે થેલો પોલીસ મથક બહાર રાખ્યા બાદ પી.આઇ. એ.આર.મોડીયાએ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદ લીધી હતી.
બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડના સ્ટાફે થેલામાંથી કબ્જે થયેલી વિસ્ફોટક સામગ્રી સાથે નાકરાવાડી ગામ તરફ નિર્જન સ્થળે જઇ બોકસ અને બેટરીના વાયરીંગના છેડા છુટા પાડી બોમ્બ નકામો કર્યો હતો.
ગણપત ખવડુ પોલીસ મથકમાં બોમ્બ સાથે શા માટે આવ્યો હતો અને એરપોર્ટ શું કામ જવાનો હતો તે અંગે એસ.ઓ.જી પી.આઇ. કે.કે.ઝાલા સહિતના સ્ટાફે પૂછપરછ હાથધરી છે. તેમજ ગણપત ખવડુના કહેવા તે ખરેખર ચોટીલા તાલુકાના નવાગામનો જ છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટે પોલીસ ટીમ ગણપત ખવડુને સાથે લઇને રવાના થઇ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગણપત ખવડુ માનસિક અસ્વસ્થ હોવાનું અને પબ્લીસિટી સ્ટંટ કરવાના ઇરાદે ગન પાવડર અને છરી સાથે પોલીસ મથકમાં આવ્યો હોવાનું અનુમાન કરી રહ્યા છે. આમ છતાં એરપોર્ટ જવાનું કહેતો હોવાથી તે કોઇ વીઆઇપીના આગમન ટાણે વિસ્ફોટ કરવાનો પ્લાન હતો કે કેમ અને તેની સાથે અન્ય કોઇ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
ગણપત ખવડુ વિસ્ફોટક સામગ્રી સાથે કુવાડવા પોલીસ મથકમાં ઘસી આવ્યાની જાણ થતાં એ.ટી.એસની ટીમે પણ ઉંડી તપાસ હાથ ધરી છે. તેમજ સેન્ટ્રલ આઇબીની ટીમ પણ કુવાડવા પોલીસ મથકે દોડી આવ્યા હતા.
ગણપત ખવડુ માનસિક અસ્વસ્થ?
કુવાડવા પોલીસ મથકમાં બોમ્બ અને છરી સાથે ઝડપાયેલા ગણપત ખવડુને પોલીસે પકડયો ત્યારે તેને એરપોર્ટ જઇને ધડાકો કરવાનો હોવાનું રટણ કરતો હોવાથી તે માનસિક અસ્વસ્થ હોવાથી પોલીસ દ્વારા તેના ગામ નવાગામ જઇને ગણપત ખવડુ અંગેની કેટલીક વિગતો એકઠી કરી હતી તેમજ જ‚ર જણાશે તો ડોકટર પાસે તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવનાર હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
ગણપતની પબ્લીસિટી સ્ટંટની આશંકા
કુવાડવા પોલીસ મથકમાં બોમ્બ અને છરી સાથે ઘસી આવેલા ગણપત ખવડુએ પબ્લીસિટી સ્ટંટ હોવાની પોલીસ દ્વારા શંકા વ્યક્ત થઇ રહી છે. બોમ્બ બનાવવા માટે માત્ર ગન પાવડર અને બાઇકની બેટરી તેમજ વાયરના ટુકડા જ મળી આવ્યા હતા. તેની પાસેથી જીલેટીન કેપ ન હોવાથી તેનો વિસ્ફોટ શકય ન હતો. હિન્દી ફિલ્મમાં બતાવવામાં આવતા લાલ કલરના પાઇપ બોમ્બ હોય તેમ સમજી ભયનો માહોલ સર્જી પબ્લીસિટી નાટક કરવાના ઇરાદે ગન પાવડર અને લાલ કલરના પ્લાસ્ટીકના પાઇપ અને બેટરી લઇને પોલીસ મથકે આવ્યો હોવાનું જણાય રહ્યાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. ગણપત ખવડુને ખરેખર બોમ્બ વિસ્ફોટ કરવો હોય તો તે પોલીસ મથકે નહી અન્ય કોઇને એરપોર્ટનું સરનામું પૂછી એરપોર્ટ પહોચી શકે તેમ હોવા છતાં તે પોલીસ મથકે કેમ આવ્યો? ગણપત ખવડુ માનસિક અસ્વસ્થ છે કે કોઇએ તેને હાથો બનાવી પોલીસ મથકે પહોચાડી દીધો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
ગણપત ખવડુને હાથો બનાવ્યાની શંકા
કુવાડવા પોલીસ મથકમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે ઝડપાયેલા ગણપત ખવડુ દેખીતી રીતે એટલો હોશિયાર જણાતો ન હોવાથી તેને કોઇએ હાથો બનાવી ગન પાવડર જેવી વિસ્ફોટક સામગ્રી અને છરી સાથે પોલીસ મથકમાં મોકલ્યો હોવાની શંકા સાથે પોલીસે તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પૂછપરછ હાથધરી છે.
રાજકોટમાં બે માસમાં ફરી બોમ્બ મળતા પોલીસમાં દોડધામ
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ખોડીયારનગરમાંથી બે માસ પહેલાં જીવતો બોમ્બ મળી આવ્યાની ઘટના બાદ ફરી બોમ્બ મળી આવ્યાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ટાઉન બની હતી. પોલીસે ખોડીયારનગરના બોમ્બની ઘટના અને કુવાડવા પોલીસ મથકમાં બોમ્બ સાથે ઘસી આવવાની ઘટના અલગ જ હોવાનું જણાવ્યું હતું.