મ્યુ.કમિશ્નર, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાએ આમ્રપાલી અન્ડરબ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું: એરપોર્ટ ફાટકની મુલાકાત વેળાએ લેવાયો મહત્વનો નિર્ણય, રેલવેને ફાટક પહોળુ કરવાની દરખાસ્ત કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રીજ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહેલ છે. કાર્યમાં ઝડપ આવે અને લોકોને અડચણ ન થાય એવા પ્રકારે કામગીરી આગળ ધપાવવા અધિકારીઓને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સૂચના આપી છે. આજરોજ આમ્રપાલી ફાટક અને એરપોર્ટ ફાટકની કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપરાંત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, રેલવે ના અધિકારીઓ, ડિવિઝનલ મેનેજર, નાયબ કમિશનર ચેતન નંદાણી, શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તેમજ સિટી એન્જી. કે.એસ. ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમ્યાન આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજે યુટીલીટી સર્વિસ ડક્ટ શિફ્ટટિંગ તાત્કાલિક પૂરું કરવા જણાવાયું હતું. અને ત્યારબાદ સૌએ એરપોર્ટ ફાટકની મુલાકાત લીધી હતી અને રૈયા રોડના ડાયવર્ટ થયેલા ટ્રાફિકની સરળતા માટે એરપોર્ટ ફાટક પહોળું કરવા નિર્ણય કરાયો હતો. આજે મ્યુનિ. કમિશનર ડીવીઝનલ રેલ્વે મેનેજરને પત્ર લખશે. ત્યારબાદ આ પ્રોજેકટ બાબતે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત પણ કરશે, એમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.
વધુ વિગતે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, આમ્રપાલી ફાટકનું કામ ચાલુ છે ત્યારે યુટીલીટી ડકટ સર્વિસને તાત્કાલિક પૂરું કરવા માટે જણાવવામાં આવ્યું હતું તેમજ મુલાકાત દરમ્યાન રૈયા રોડ પરના વેપારીઓ ત્યાં સ્થળ પર ભેગા થઈને મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. રજુઆતને ધ્યાને લઈને વેપારીઓને આશ્વાસનરૂપે સમયસર કાર્ય પૂરું કરાવવા અને વેપારીઓને મુશ્કેલી ન પડે પણ ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટ ફાટકની મુલાકત કરી હતી, કેમકે આમ્રપાલી ફાટકનું કામ ચાલુ હોવાથી રૈયા રોડ પરનો ટ્રાફિક એરપોર્ટ રોડ પર ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને તેના લીધે એરપોર્ટ ફાટક પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આજ રોજ કોર્પોરેશન ડીવીઝનલ રેલ્વે મેનેજરને એરપોર્ટ ફાટક પહોળું કરવા અંગે પત્ર લખશે અને આ બાબતે સ્ટેન્ડીંગમાં દરખસ્ત પણ મોકલવામાં આવશે. અરપોર્ટ ફાટક પહોળો થયે ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડશે.