રૈયાધાર અને ન્યારી પમ્પીંગ સ્ટેશન પર પુરતા નર્મદાના નીર ન મળવાના કારણે વોર્ડ નં.1,9 અને 10 ઉપરાંત વોર્ડ નં.2 પાર્ટમાં સવારથી બપોરે 12 વાગ્યા સુધી જે વિસ્તારમાં પાણી વિતરણ કરાય છે ત્યાં કાપ ઝીંકાયો
મેઘરાજાએ અનરાધાર મહેર વરસાવી રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો છલકાવી દીધા છે. જો કે, રાજકોટવાસીઓના નશીબમાં પાણીનું સુખ લખ્યું ન હોય તેમ નર્મદા કેનાલ 34 પર એર વાલ્વમાં ગત મધરાત્રે ભંગાળ સંર્જાવાના કારણે આજે ચાર વોર્ડમાં બપોર સુધી જ્યાં પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં અણધાર્યો પાણીકાપ ઝીંકી દેવામાં આવતા લોકોમાં જબરો દેકારો બોલી ગયો હતો. વોર્ડ નં.1,9 અને 10 પાર્ટ ઉપરાંત વોર્ડ નં.2 પાર્ટમાં બપોરે 12 વાગ્યાથી પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ વિસ્તારમાં પાણી વિતરણ સમય કરતા મોડુ વિતરણ થાય તેવી સંભાવના પણ જણાય રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નર્મદા કેનાલની 34 નંબરની પાઈપ લાઈનમાં ગત મધરાત્રે એર વાલ્વમાં ભંગાળ સર્જાયું હતું. રીપેરીંગની કામગીરી રાત્રે જ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ સવાર સુધી રીપેરીંગનું કામ પૂર્ણ થયું ન હતું. રૈયાધાર અને ન્યારી પમ્પીંગ સ્ટેશન ખાતે પુરતા નર્મદાના નીર ન મળવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. વોર્ડ નં.1, 9 અને 10 ઉપરાંત વોર્ડ નં.2 પાર્ટના એવા વિસ્તારો કે જ્યાં વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજે અણધાર્યો પાણી કાપ ઝીંકી દેવામાં આવ્યો હતો.
વાલ્વ રીપેરીંગની કામગીરી બપોરે 12 વાગ્યે પૂર્ણ થયા બાદ હડાળાથી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આવામાં ઉપરોક્ત ચાર વોર્ડના એવા વિસ્તારો કે જ્યાં બપોરે 12 વાગ્યા બાદ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં હાલ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા મોડુ પાણી મળે તેવી પણ સંભાવના મહાપાલિકા દ્વારા વ્યકત કરવામાં આવી છે. ભરચોમાસે પાણીના ધાંધીયા સર્જાતા લોકોમાં દેકારો મચી જવા પામ્યો છે.
એક સાથે ચાર વોર્ડમાં અણધાર્યા પાણીકાપથી ગૃહિણીઓ હેરાન-પરેશાન થઈ ગઈ છે. વહેલી સવારથી પાણીની રાહ જોતી મહિલાઓને બપોરે ખ્યાલ આવ્યો હતો કે આજે તેઓને પાણી મળે તેમ નથી. એર વાલ્વ રીપેરીંગની કામગીરી બપોરે પૂર્ણ થવા પામી હતી પરંતુ જો સવારના વિસ્તારોને પાણી આપવામાં આવે તો વિતરણ મોડી રાત સુધી ચાલે તેમ હોવાની સંભાવના હતી. જેના કારણે આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા પર અસર પડે તેવી શકયતાને નિહાળતા આજે ચાર વોર્ડના એવા વિસ્તારો કે જ્યાં બપોરે 12 વાગ્યા પહેલા વિતરણ કરવામાં આવે છે ત્યાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો.