કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ સ્થાનિક ફલાઈટોની સાથો સાથ આંતરરાષ્ટ્રીય ફલાઈટોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ ૨૩મીથી ભારત-અમેરિકા વચ્ચે હવાઈ પરિવહન સેવા શરૂ થઈ જશે તેવી સ્થિતિ પણ સામે આવી છે. દેશની અગ્રણી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા અમેરિકામાં વિવિધ શહેરોમાંથી વંદે ભારત મિશન વિશેષ ફલાઈટની વ્યવસ્થા કરશે. એર ઈન્ડિયાએ આ અંગે ટવીટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમેરિકાનાં વિવિધ શહેરો માટે ઉડ્ડયન સેવા માટે ફલાઈટ બુકિંગ આજથી શરૂ કરવામાં આવશે. એર ઈન્ડિયા વંદે ભારત મિશન હેઠળ ભારત અને અમેરિકા વચ્ચે ૧૮૦ ફલાઈટ ચલાવશે જે ૨૩ જુલાઈ ૨૦૨૦થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ વચ્ચેનાં ગાળામાં ચલાવવામાં આવશે.
વૈશ્ર્વિક મહામારીનાં પગલે યુએસ અમેરિકા વચ્ચેની ઉડ્ડયન સેવાને પ્રતિબંધિત કરવામાં આવી હતી પરંતુ યાત્રિકોની માંગને ધ્યાને લઈ અને પૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગને અનુસરી અમેરિકા અને ભારત વચ્ચે હવાઈ સેવા શરૂ કરવામાં આવશે. અમેરિકાએ ચાર્ટડ ફલાઈટ મુદ્દે ભારતને એકયુઝ એટલે કે દોષીત ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, એર ટ્રાન્સપોર્ટેશનનાં માધ્યમથી ભારત ગેરરીતી આચરી રહ્યું છે અને જો ચાર્ટડ ફલાઈટનું આયોજન ભારતે કરવું હોય તો આ પૂર્વે તેઓએ ઓથોરાઈઝેશન લેવું જરૂરી છે. આ તકે ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે જણાવતા કહ્યું હતું કે, આ અંગે જે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે તેને અપ્રુવ કરી એર ઈન્ડિયા દ્વારા અપાઈ પેસેન્જર ચાર્ટડ ફલાઈટ માટેની અરજીને માન્યતા અપાઈ છે.