પાકિસ્તાનમાં એક સંગઠનના ઠેકાણા ઉપર ઇરાને કરેલ હવાઈ હુમલાની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. વિદેશ મંત્રી જયશંકર ઈરાન ગયા અને પછી જ આ હુમલો થયો આ સંયોગ છે કે રણનીતિ તેવી વાતો પણ વહેતી થઈ છે.
વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ જેવા બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપમાં વધુ એક તંગદિલીએ વિશ્વના તણાવમાં વધારો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પાકિસ્તાનની અંદર મિસાઈલ છોડી છે. ઈરાને પાકિસ્તાનની અંદર બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના હેડક્વાર્ટર પર ડ્રોન અને મિસાઈલ વડે સચોટ હુમલો કર્યો છે. આ હુમલાથી બંને ઈસ્લામિક દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. વળી, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ નબળી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.
જોકે, આ હુમલો ત્યારે થયો જ્યારે ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર ઈરાનની મુલાકાતે ગયા હતા. વિદેશ મંત્રી જયશંકરની મુલાકાત અને પછી ઈરાનના હુમલાને જોડવામાં આવી રહ્યો છે. ભારતના પાકિસ્તાન સાથે ખરાબ સંબંધો છે આ ઘટનાનો સમય રાજદ્વારી સંલગ્નતા, પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદના લાંબા સમયથી ચાલતા મુદ્દા પર પ્રશ્નો ઉભા કરે છે. ભારત પણ પાકિસ્તાનમાંથી નીકળતા આતંકથી પરેશાન છે. વિદેશ મંત્રી જયશંકરની ચર્ચામાં વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પ્રોજેક્ટથી લઈને દરિયાઈ સુરક્ષા અને ગલ્ફમાં વધી રહેલા ખતરા સુધીના ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
વાતચીત દરમિયાન તેમણે હિંદ મહાસાગરમાં દરિયાઈ વ્યાપારી ટ્રાફિકની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. થોડા દિવસો પહેલા ભારત આવી રહેલા એક જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારત પોતાના જહાજોને લઈને ચિંતિત છે. ઈરાનની એર સ્ટ્રાઈક દર્શાવે છે કે પાકિસ્તાન પોતાની સરહદમાં આતંકવાદીઓને આશ્રય આપે છે. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓને અહીં આશ્રય મળ્યો હતો, જેને વિશ્વ અવગણી શકે નહીં. ઈરાનની આ પ્રતિક્રિયા આતંકવાદ સામેના પ્રયાસોની સંવેદનશીલતા દર્શાવે છે.
પાકિસ્તાને ઈરાનના મિસાઈલ હુમલાની સખત નિંદા કરી અને તેને તેની એરસ્પેસનું ઉશ્કેરણી વિનાનું ઉલ્લંઘન ગણાવ્યું. ઈરાની હુમલામાં બે બાળકોના મોત થયા હતા. ત્યાં ઘણી જાનહાનિ થઈ છે. પાકિસ્તાને આ ઘટનાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી છે. આ પહેલા ઈરાકના કુર્દીસ્તાન વિસ્તારમાં કથિત ઈઝરાયેલની જાસૂસી અને સીરિયામાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા ટાર્ગેટ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.