આયુષ્યની સાથો સાથ લોકો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે
દુનિયાની લગભગ ચોથા ભાગની વસતી ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ એમ ચાર દક્ષિણ એશિયાઇ દેશોમાં વસે છે અને આ દેશોમાં જ પ્રદૂષણ સૌથી વધારે છે. એર ક્વોલીટી લાઈફ ઇન્ડેક્સના દાવા અનુસાર આ દેશોમાં વસતા લોકોનું આયુષ્ય વાયુ પ્રદૂષણના કારણે પાંચ વર્ષ સુધી ઘટી જશે કારણ કે લોકો એવી સ્થિતિમાં જીવી રહ્યાં છે જેમાં 20 વર્ષ પહેલાની સરખામણીએ પ્રદૂષણનું સ્તર હવે 44 ટકા વધારે છે. એમાંયે ઉત્તર ભારતના રાજ્યોમાં રહેતા 25 કરોડ લોકોના આયુષ્યમાં તો સરેરાશ આઠ વર્ષનો ઘટાડો થવાની સંભાવના છે. બેશક કોરોના વાઇરસ ગંભીર ખતરો છે અને એના પર ધ્યાન આપવું અનિવાર્ય છે. પરંતુ થોડું ધ્યાન વાયુ પ્રદૂષણની ગંભીરતા પર આપવામાં આવે તો કરોડો લોકોને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય નસીબ થઇ શકશે. અનેક અભ્યાસમાં પણ બહાર આવ્યું છે કે કોરોનાનું જોખમ પણ વાયુ પ્રદૂષણના કારણે વધી જાય છે.
અનેક સંસ્થાઓએ દુનિયાભરની સરકારોને અપીલ કરી છે કે કોરોના મહામારીનું જોખમ ટળ્યા બાદ વાયુની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવામાં આવે.એર કવાલીટી લાઈફ ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર ભારતમાં તો વાયુ પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર છે કે કે કેટલાંક પ્રદેશોમાં તો તેના કારણે લોકોના સરેરાશ જીવનમાં એક દાયકાનો ઘટાડો થઇ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અનેક સ્થળો એવા છે જ્યાં લોકો જે હવા શ્વાસમાં લે છે તેની ગુણવત્તા માનવ સ્વાસ્થ્ય માટે કોરોના કરતાયે મોટો ખતરો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે.
ધુમાડામાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુ:ખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે દેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. 13 વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે.