વાયુ ઈફેકટ હેઠળ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં મધરાતથી મેઘો મંડાયો: વાતાવરણમાં ઠંડક
વાયુ વાવાઝોડુ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ જતાં હાલ કચ્છ પર સંપૂર્ણપર્ણે સંકટ ટળી ગયું છે. જો કે વાયુની ઈફેકટ હેઠળ આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મધરાતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને સુત્રાપાડામાં આજે વહેલી સવારે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. સવારથી રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગત સપ્તાહે અરબી સમુદ્રમાં ઉદભવેલ વાયુ વાવાઝોડુ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ જતા હાલ કચ્છ પર વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, વાયુ સૌરાષ્ટ્ર-કચ્છ માટે આફત બનશે પરંતુ જે રીતે આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ આપી દીધો છે તેનાથી વાયુ સૌરાષ્ટ્ર માટે ખરેખર આશિર્વાદરૂપ બન્યું છે. વાયુ હવે ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ જતાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. મધરાતથી મેઘાએ મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને સુત્રાપાડામાં 2-2 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કોડીનારમાં 1 ઈંચ જેટલો વરસાદ પડયો છે. વાયુની અસર હાલ કચ્છમાં વધુ વર્તાઈ રહી છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારના સમયે કચ્છના માંડવી અને મુંદ્રામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
રાજકોટ, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ, ઉના, સૂત્રાપાડા, કોડીનાર, માંડવી, ગીર-ગઢડા, જાફરાબાદ, રાજુલા, ગારીયાધાર, તાલાલા, માણાવદર, માંગરોળ, દ્વારકા, રાણપુર, ઉપલેટા, ટંકારા, કલ્યાણપુર, બાબરા, વળીયા, વઢવાણ, મોરબી, મેંદરડા, લીલીયા, ખંભાળીયા, ચોટીલા, લીંબડી, લોધીકા, ભાણાવડ, દસાડા, જોડીયા, પોરબંદર અને બોટાદમાં સવારથી વરસાદ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં પણ થોડી-થોડી વારે વરસાદનું જોરદાર ઝાપટું પડી જાય છે જેના કારણે રાજમાર્ગો પર રીતસર પાણી વહેવા લાગે છે. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ લખાય છે ત્યારે પણ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના
વાયુ વાવાઝોડુ હાલ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગયું છે. જેની અસરના કારણે આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાયુની અસર ખાસ મોરબી, કચ્છ અને જામનગર જિલ્લામાં દેખાશે. અહીં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તાર જેવા કે ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગત મધરાતથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
વાયુ ડિપ્રેશનમાં પરિવર્તીત થતા કચ્છ પરથી સંકટ ટળ્યું
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું વાવાઝોડુ સૌરાષ્ટ્રને સ્પર્સ્યા વિના જ ગત સપ્તાહે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. જો કે, વાવાઝોડુ દિશા ફેરવી કચ્છ તરફ ફંટાયું હતું. જે સોમવારે કચ્છમાં ત્રાટકે તેવી ભીતિ ઉભી થવા પામી હતી. જો કે, વાયુ નામનું આ વાવાઝોડુ હાલ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગયું હોવાના કારણે કચ્છ પરથી સંપૂર્ણપણે સંકટ ટળી ગયું છે. જો કે, આગામી 48 કલાક દરમિયાન વાયુની અસરના કારણે કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડુ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગયું હોવા છતાં સરકાર કોઈપણ જાતનું જોખમ લેવા માંગતી નથી. ગઈકાલે મોડીરાત સુધી સરકારી તંત્ર સતત કચ્છમાં એલર્ટ હતું. આજે સવારે કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મુંદ્રા અને માંડવીમાં વરસાદ પણ પડી રહ્યો છે.