ટાટા ક્યારેય “બાય બાય” નથી કરતું…. બ્રિટિશ શાસન કાળથી લઈ સ્વતંત્ર ભારતના પ્રથમ અધ્યાયમાં દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું જોઈને ટાટા જૂથના સ્થાપક રતન તાતાએ જે રસ્તો કંડાર્યો છે. તે આજે પણ ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝએ જાળવી રાખ્યો છે. 68 વર્ષ બાદ ફરી ‘મહારાજા’ની ઘર વાપસી થઈ છે. એર ઈન્ડિયા ‘મહારાજા’ના હાથમાં.. ટાટા સન્સે રૂ. 18 હજાર કરોડની સૌથી મોટી બોલી લગાવી માલિકી ખરીદી લીધી છે. સરકારે આજરોજ આ અંગે માહિતી આપી સત્તાવાર જાહેરાત કરી છે.
દીપામના સચિવ તુહીનકાંત પાંડેએ આ અંગે જાહેરાત કરી છે. પાંડેએ આજરોજ સાંજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ટાટા સન્સનું યુનિટ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ એર ઇન્ડિયા માટે 18,000 કરોડ રૂપિયા સાથે વિજેતા બિડર બન્યું છે. આ સોદો આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.
સરકાર એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે. ઉપરાંત, એર ઇન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા હિસ્સો વેચી રહી છે. આ માટે ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે વ્યક્તિગત બોલીઓ લગાવી હતી. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાનું વેચાણ મોદી સરકારના ખાનગીકરણ કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ છે. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મંત્રીઓની સમિતિ વ્યક્તિગત રીતે તેની દેખરેખ રાખી રહી છે. હાલના પ્રસ્તાવ મુજબ, એર ઇન્ડિયા નવા માલિકને રૂ .23,000 કરોડની લોન સાથે ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીનું બાકીનું દેવું એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
હવે 68 વર્ષ બાદ ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપના હાથમાં છે..!! JRD ટાટાએ વર્ષ 1932માં ટાટા એરલાઇન્સની સ્થાપના કરી હતી. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એરલાઇન્સ બંધ કરવામાં આવી હતી. જ્યારે એરલાઇન્સ ફરી પુન:સ્થાપિત કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી, 1947માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.