જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયાને ખરીદવા બિડિંગ કરનારા કોન્સોર્ટિયમ માટે સરકારે લઘુતમ રૂ ૫,૦૦૦ કરોડની નેટવર્થ નિર્ધારિત કરી છે. સરકારને આશા છે કે, રૂ ૫,૦૦૦ કરોડની નેટવર્થને લીધે ગંભીર બિડર્સ જ એરલાઇનના એક્વિઝિશન માટે સ્પર્ધા કરશે. જોકે, ઝીરો કે નેગેટિવ નેટવર્થ ધરાવતી એરલાઇન કોન્સોર્ટિયમ બનાવશે અને તેમની સંયુક્ત નેટવર્થ રૂ ૫,૦૦૦ કરોડ કે વધુ થશે તો તેમને પણ બિડિંગની મંજૂરી આપવામાં આવશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના બિડિંગ માટે કંપનીઓ કે કોન્સોર્ટિયમની લઘુતમ નેટવર્થનો માપદંડ રૂ ૫,૦૦૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક એરલાઇન્સને તક આપવા માટે કોન્સોર્ટિયમની કુલ નેટવર્થ રૂ ૫,૦૦૦ કરોડ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે મોટા ભાગની સ્થાનિક એરલાઇન્સની નેટવર્થ નેગેટિવ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, નેગેટિવ નેટવર્થ ધરાવતી એરલાઇન એર ઇન્ડિયા માટે બિડ કરવા પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકાર સાથે ભાગીદારી પણ કરી શકે છે. લઘુતમ નેટવર્થનો માપદંડ એ બાબત નિશ્ચિત કરશે કે, ગંભીર ન હોય એવા અથવા લેભાગુ ઓપરેટર્સ એર ઇન્ડિયા માટે બિડિંગ નહીં કરે. એનાલિસ્ટ્સે પગલાને આવકારી જણાવ્યું હતું કે, તેને લીધે સ્થાનિક કંપનીઓ પણ બિડિંગમાં ભાગ લઈ શકશે. ભારતમાં સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિયેશનના સીઇઓ કપિલ કાઉએ જણાવ્યું હતું કે, આ વિચારીને લેવાયેલું પગલું છે. તેને લીધે એર ઇન્ડિયાની ખરીદીમાં રસ ધરાવતી ભારતી એરલાઇન્સ કોન્સોર્ટિયમ પાર્ટનર સાથે મળીને બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ બાબત સંકેત આપે છે કે, સરકાર પણ બિડિંગ પ્રક્રિયામાં વધુ ભારતીય એરલાઇન્સને સામેલ કરવા ઉત્સુક છે. જોકે, ઇરાદાપત્ર જારી કરવામાં વિલંબને કારણે સમગ્ર ટ્રાન્ઝેક્શન અગાઉની યોજના પ્રમાણે ચાલુ વર્ષે પૂરું થાય તેમ જણાતું નથી.
બિડિંગ માટેની પાત્રતાનો માપદંડ નાણામંત્રાલયની ઇવેલ્યુએશન કમિટી (EC) દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટના કોર ગ્રૂપને કરાયેલી ભલામણનો ભાગ છે. લઘુતમ લાયકાતના પ્રસ્તાવિત માપદંડને વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એરઇન્ડિયાના બિડિંગ માટે રૂ ૫,૦૦૦ કરોડની લઘુતમ નેટવર્થના માપદંડને કારણે મોટા ભાગની ભારતીય એરલાઇન્સ બિડિંગને પાત્ર નથી. જોકે, સ્થાનિક એરલાઇન્સ વિદેશી કંપની કે પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકાર સાથે ભાગીદારી દ્વારા એર ઇન્ડિયા માટે બિડ કરી શકે છે.
ભારતીય એરલાઇન્સમાં ઇન્ડિગોની નેટવર્થ ૨૦૧૬-૧૭ સુધી લગભગ રૂ ૩,૮૦૦ કરોડ હતી. આ એકમાત્ર એરલાઇન લઘુતમ નેટવર્થના માપદંડની નજીક છે. જેટ એરવેઝ, સ્પાઇસજેટ અને ટાટા ગ્રૂપની વિસ્તારા નેગેટિવ નેટવર્થ ધરાવે છે. જોકે, જેટ એરવેઝ એર ફ્રાન્સ-KLM તેમજ વિસ્તારા સિંગાપોર એરલાઇન્સ સાથે મળી એર ઇન્ડિયાના બિડિંગની સ્પર્ધામાં જોડાઈ શકે. અત્યાર સુધી માત્ર ઇન્ડિગો અને એક અજાણી વૈશ્વિક એરલાઇન્સે એર ઇન્ડિયાના બિડિંગ માટે રસ દર્શાવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,