જૂનના અંત સુધીમાં એર ઇન્ડિયાને નવો માલિક મળી જશે: વર્ષના અંત સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે
દેશની કેટલીક સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓને વેચી દેવામાં આવી છે. આ જ સંબધમાં ટૂંક સમયમાં જ એર ઇન્ડિયાને પણ વેચી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાને ટૂંક સમયમાં નવો માલિક મળશે. આ અંગેના સંકેત નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ આપ્યા છે.
એક બેઠકમાં પુરીએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયાને જૂનનાં અંત સુધી નવો માલિક મળી જશે. એક કાર્યક્રમમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે નાણાકીય નિવિદાની પસંદગી કરી લેવામાં આવશે અને જૂનમાં સંભવિત ખરીદારની જાહેરાત કરી દેવામાં આવશે.
બેઠક પછી તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારી એરલાઇન્સના ખાનગીકરણમાં કોરોનાને કારણે વિલંબ થયો છે. તેમણે જણાવ્યું હતું કે નિવિદા મંગાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે આ વર્ષના અંત સુધી એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની યોજના બનાવી છે. જૂનમાં નવા માલિકોની પસંદગી કરી લીધા પછી ૬ મહિનાની અંદર એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવશે.
પુરીએ વધુમાં જણાવ્યું હતું કે હવે એર ઇન્ડિયા માટે બે જ વિકલ્પ છે. એક વિકલ્પ તેનું ૧૦૦ ટકા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું અને બીજો વિકલ્પ એરલાઇન્સને બંધ કરી દેવી.
હાલ એર ઇન્ડિયાના તમામ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે તેમના દ્વારા પાડવામાં આવેલી રજા અંગેની તમામ વિગતો રજૂ કરી દેવા આદેશો આપી દેવામાં આવ્યા છે જે પણ એક સંકેત છે કે, એર ઇન્ડિયાને ટૂંક સમયમાં ખાનગી પ્લેયરના હાથમાં સોંપી દેવામાં આવશે.
મહત્વપૂર્ણ બાબત છે કે, એર ઇન્ડિયા કોને સોંપવામાં આવશે તે અંગેની અટકળો પણ ચાલુ થઈ છે. ત્યારે હાલ ટાટા અને સ્પાઇસ જેટ બંને આ રેસમાં છે. જેમાં પણ ટાટા એર ઇન્ડિયા હસ્તગત કરી લેશે તેવી પ્રબળ શકયતા છે. જે રીતે ટૂંકા સમયગાળામાં ટાટાએ અનેક સરકારી મિલકતો હસ્તગત કરી છે તે જોતા એર ઇન્ડિયા પણ ટાટાને આપી દેવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.
ઉલ્લેખનીય બાબત છે કે, એર ઇન્ડિયાનો ‘મહારાજા’નો લોગો ટાટા જૂથે જે તે સમયે આપેલો છે અને આજે પણ એર ઇન્ડિયાએ આ લોગો જાળવી રાખ્યો છે ત્યારે હવે એર ઇન્ડિયા ‘મહારાજા’ને સોંપી દેવાય તેવી શકયતા ખૂબ પ્રબળ છે.
એર ઇન્ડિયાનો નવો માલિક કોણ?
હાલ એર ઇન્ડિયા પણ ખાનગી પ્લેયરના હાથમાં સોંપી દેવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. ઉડ્ડયન મંત્રીએ પણ આ અંગેનો સંકેત આપી દીધો છે. ત્યારે એર ઇન્ડિયાનો નવો માલિક કોણ બનશે તે સવાલ મહત્વપૂર્ણ છે. ત્યારે હાલ એર ઇન્ડિયાનો કબજો મેળવવા બે જૂથ રેસમાં છે. જેમાં એક ટાટા ગ્રુપ છે કે જેણે તાજેતરમાં જ સરકારની અનેક મિલકતોનો હવાલો સંભાળ્યો છે.
બીજી કંપની સ્પાઇસ જેટ છે જે છેલ્લા ઘણા સમયથી ઉડ્ડયન ક્ષેત્રે વર્ચસ્વ જમાવીને બેઠી છે. ત્યારે હવે એર ઈન્ડિયા કોને સોંપવામાં આવશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયાનો કબ્જો ટાટા જૂથને સોંપી દેવા તખ્તો તૈયાર કરી લેવામાં આવશે.