- એર ઈન્ડિયા એક્સપ્રેસે સામૂહિક ‘સિક લીવ’ના એક દિવસ પછી 25 કર્મચારીઓને કાઢી મૂક્યા
- તેમના વર્તનને કારણે હજારો મુસાફરોને તકલીફ પડતાં લીધો નિર્ણય
ઇન્ટરનેશનલ ન્યૂઝ : ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસે તેના કેબિન ક્રૂ સભ્યોને કાઢી મૂક્યા છે જેમણે બુધવારે ‘સિક લીવ’ની જાણ કરી હતી. જેના કારણે 90 થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી. ઓપરેશનમાં અચાનક વિક્ષેપને કારણે દિલ્હી એરપોર્ટ પર અરાજકતા સર્જાઈ હતી જ્યારે એરલાઈને છેલ્લી ક્ષણે ગોવા, ગુવાહાટી અને શ્રીનગરની ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસે ગોવા, ગુવાહાટી અને શ્રીનગરની ફ્લાઈટને રદ્દ કરી દેતાં દિલ્હી એરપોર્ટ પર અચાનક કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હતો.આ જાહેરાતથી અસરગ્રસ્ત પ્રવાસીઓમાં મૂંઝવણ અને તકલીફની સ્થિતિ સર્જાઈ હતી, જેઓ એરલાઈનના કાઉન્ટરની આસપાસ એકઠા થયા હતા. લગભગ 13,000 મુસાફરો રદ થવાથી પ્રભાવિત થયા હતા.
સમગ્ર ઘટના શું હતી ?
ગઇકાલે એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.