કંપની નાણાંકીય સ્થિતિ સુધારવા અને આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા યુનિવર્સિટીમાં એવિએશન સાથે સંકળાયેલ જુદા-જુદા ફીલ્ડની ટ્રેનીંગ આપશે
એર ઇન્ડિયા એક એવિએશન યુનિવર્સિટીની સ્થાપના કરવાની તૈયારીમાં છે. જ્યાં એવિએશન સાથે જોડાયેલા અલગ-અલગ ફીલ્ડની ટ્રેનીંગ આપવામાં આવશે તેમજ લાંબા સમય માટે કંપનીને એક આવકના સ્ત્રોત તરીકે ઉપયોગી નિવડશે. એરલાઇન અધિકારીએ જણાવ્યું કે, પાછલા થોડા સમયથી એરલાઇન કંપનીઓ તેમની નાણાંકિય સ્થિતિ સુધારવા માટે જુદા-જુદા નુસખાઓ અપનાવવામાં કાર્યરત છે. જે અંતર્ગત એક વિચાર એવિએશન યુનિવર્સિટી ઉભી કરવાનો છે.
એર ઇન્ડિયાનું કહેવું છે કે, તે એક એવી સંસ્થા સ્થાપવાની તૈયારીમાં છે કે જ્યાં પાયલોટ, કેબિન ક્રૂ, ઓપરેશન અને એન્જીનીયરીંગ સહિતના પ્રોગ્રામ માટે ટ્રેનીંગ આપવામાં આવશે.
એર ઇન્ડિયાના સીએમડી અશ્ર્વની લોહાણીએ જણાવ્યું કે, અમે એક વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીનું નિર્માણ કરવા તેમજ તેને કોમર્શીયલ સ્તર ઉપર ચલાવવા ઇચ્છીએ છીએ. આ ઉપરાંત, એર ઈન્ડિયા કંપનીએ આ માટે એજ્યુકેશનલ ક્ધસલ્ટન્ટસ ઇન્ડિયા લીમીટેડ (ઇડીસીઆઇએલ) સાથે વાટાઘાટો કરી છે. અને હૈદરાબાદ સ્થિત ટ્રેનિંગ સેન્ટરને (સેન્ટ્રલ ટ્રેઇનીંગ એસ્ટાબ્લીસમેન્ટ) યુનિવર્સિટીમાં ફેરવવાની સંભાવનાઓ પર મંતવ્ય માંગ્યા હતા. એર ઇન્ડિયા એક્ઝીક્યુટીવ અમિતાઘ સિંઘે કહ્યું કે, એજ્યુકેશનલ ક્ધસલ્ટન્ટસ ઇન્ડિયા લીમીટેડ કંપની બે-ત્રણ મહિનાની અંદરમાં આ વિશે અહેવાલ રજુ કરશે અને અહેવાલમાં આપવામાં આવેલા મંતવ્યોને આધારે અંતિમ નિર્ણય કરવામાં આવશે.