સરકારે મુંબઈ અને દિલ્હી ખાતેના જેટના સ્લોટને અન્ય એર લાઈન્સને આપવાનો કર્યો નિર્ણય
છેલ્લા ઘણા સમયથી જેટ એરવેઝ આર્થિક સંકળામણની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેમાં ડુબેલા જેટ એરવેઝના પેસેન્જરોને સાચવવા એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ હોડમાં આવ્યા છે. કહેવાય છે કે, આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં જેટની ટિકિટ લેનારને એર ઈન્ડિયા એક વિશેષ ફેર પેકેજ આપશે. ત્યારે એર ઈન્ડિયા અને જેટની વાત કરવામાં આવે તો તેમના વચ્ચે પણ અત્યારના હરિફાઈ શરૂ થઈ ગઈ છે.
જેટ એરવેઝને જરૂર પડેલા નાણા ન મળતા તેને તેમની તમામ ફલાઈટો હંગામી ધોરણ પર બંધ કરી દીધી છે. ત્યારે જેટ એરવેઝના એર ક્રાફટના ભાડા પર લેવા એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ આગળ આવ્યા છે. સરકાર દ્વારા જેટ એરવેઝના સ્લોટને પણ હાલ સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયાને આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં મુંબઈ ખાતેના ૨૮૦ સ્લોટ, દિલ્હી ખાતે ૧૬૦ સ્લોટને એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટને આપવાનું પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બન્ને એર લાયન્સ રજાઓની મૌસમ હોવાથી તેઓ તેમના ભાવોમાં પણ ફેરબદલ કરતા જોવા મળી રહ્યાં છે.
એર ઈન્ડિયાના ચેરમેન અશ્વિન લોહાણી દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે માહિતી મેળવવામાં આવી હતી કે, જેટના પાંચ બોઈંગ ૭૭૭ પ્લેનને ભાડા પર આપવામાં આવે જેથી તે વધુની ફલાઈટ મુંબઈથી લંડન અને દુબઈ ત્યારબાદ દિલ્હીથી લંડન, દુબઈ અને સિંગાપોર તેમ ઉડાવવાનું નકકી કર્યું હતું. જયારે સ્પાઈસ જેટ દ્વારા પણ ૨૭ જેટલા પ્લેનોને ભાડા પર લેવામાં આવ્યા છે. જયારે એર ઈન્ડિયા દ્વારા એક વિશેષ યોજના પણ બહાર પાડવામાં આવી છે. જેમાં જેટમાં પોતાની ટિકિટ કરાવવામાં આવેલા યાત્રીકોને તેઓ સ્પેશ્યલ ફેર આપવાનું નકકી કર્યું છે. આ માત્ર આંતરરાષ્ટ્રીય ફલાઈટોને લઈને જ નિર્ધાર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય ફલાઈટ વિશે વાત કરવામાં આવે તો લંડન, બેંગકોંક, સિંગાપોર, હોંગકોંગ અને મશ્કતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે બીજી એર લાઈન્સની વાત કરવામાં આવે તો તે આવનારા મે, જૂન અને જુલાઈ માસમાં ૩૧ વધુ પ્લેનોને ઉડાવશે જેમાં વધુ ૨૦ પ્લેનો ભાડા પર મળે તેવી પણ આશા સેવાઈ રહી છે. ત્યારે જેટ એરવેઝના સ્લોટ માત્ર ત્રણ માસ સુધી જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં પણ એ વાતની પુષ્ટી થઈ રહી છે કે, જો જેટ એરવેઝની સ્થિતિ સુધરશે નહીં તો વધુ એક માસના સ્લોટ અન્ય એર લાઈન્સને આપવામાં આવશે.