ટ્રેનરે કેડેટને પ્લેન ઉડાડવાની તાલીમ આપવા માટે ઉડાન ભરી હતી, ટેક્નિકલ કારણોસર પ્લેન નીચે પડતા બળીને ખાખ થઈ ગયું
વાયુસેનાનું એક ટ્રેનર વિમાન આજે તેલંગાણામાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા છે. મેડકની બહાર પરિધિ રાવેલી વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી મળી રહી છે. એરફોર્સના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હતા. જેમાં એક ટ્રેનર હતા જે નવા કેડેટને પ્લેન ઉડાડવાની તાલીમ આપી રહ્યા હતા. વિમાને આજે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.
છેલ્લા 8 મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે. આ પહેલાં જૂનમાં ટ્રેઇની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું. મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયાં હતાં.જૂનની શરૂઆતમાં, ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
મે મહિનામાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન રાજસ્થાનના હનુમાનગઢ નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર પ્લેન ક્રેશ થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. અચાનક ખરાબીના કારણે પ્લેન ક્રેશ થયું હતું. પાયલોટ સુરતગઢ બેઝના ઉત્તર-પૂર્વમાં લગભગ 25 કિમી દૂર મળી આવ્યો હતો.