- ઠેબા ચોકડી નજીક ખુલ્લા વિસ્તારમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થતા દોડધામ
- સુવરડા ગામ પાસે વાયુસેનાનું પ્લેન એકાએક ક્રેશ થઈ જતાં ભારે અફડાતફડીનો માહોલ
- પ્લેનમાંથી પાયલોટ કૂદી જતાં તેનો બચાવ થયો:સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી
- પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી જતાં સુવરડા ગામ ની સીમ વિસ્તારમાં પ્લેનનો સળગતો કાટમાળ પડ્યો
- સૂકા ઘાસ વગેરેમાં સળગતું પ્લેન પડવાના કારણે સમગ્ર સૂકા ઘાસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
- કલેકટર, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું.
જે સળગતું પ્લેન સુવરડા ગામની સીંમ વિસ્તારમાં પડ્યું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મો*ત થયું છે, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયાલોટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેન નો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.
પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તરત જ પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભારે બૂમાબૂમ કરી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્ષ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર SP પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
અહેવાલ : સાગર સંઘાણી