રૂ.4445 કરોડના ખર્ચે બનનારા 7 મેગા પાર્ક ટેક્સટાઇલ ઉદ્યોગને નવા પ્રાણ ફુંકશે : ક્લસ્ટર નિર્માણથી પરિવહન ખર્ચ ઘટી જશે અને લો કોસ્ટને કારણે ભારતની ટેક્સટાઇલ પ્રોડક્ટ વૈશ્ર્વિક કક્ષાએ હરીફાઈમાં ઉતરી શકશે
કેન્દ્રની મોદી સરકારની કેબિનેટે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજયન એન્ડ એપેરલ પાર્ક સ્કીમ (મિત્રા)ની સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી દેશમાં 7 જેટલા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવા 5 વર્ષ માટે 4,445 કરોડનું બજેટ ફાળવ્યું છે. ઉપરાંત તે અંગેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરી દીધું છે. બીજી તરફ ભારતે આગામી 5 વર્ષમાં ટેકસ્ટાઈલની નિકાસ રૂ.750 કરોડે પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. જેમાં આ ટેક્સટાઇલ પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સરકારે 1000 એકર ગ્રીન ફિલ્ડ મેગા ટેક્સટાઇલ પાર્કના નિર્માણ માટે મહત્તમ 500 કરોડ અથવા કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણના 30 ટકાથી વધુ સહાય સબસીડી સ્વરૂપે આપવાની જાહેરાત કરી છે. એટલે કે 200 કરોડ પાર્ક ડેવલપમેન્ટ કેપીટલ સપોર્ટ માટે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે 300 કરોડ પ્લાન્ટ સ્થાપના સુધી ઇનસેન્ટિવ તરીકે સરકાર આપશે.પીપીપી મોડ પર સ્થપાનારા આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર અને પ્રાઇવેટ એસપીવી કંપની પાસે મહત્તમ ઈકવિટી રહેશે.પાર્કના નિર્માણથી લઈ મેન્ટેનન્સ સુધીની જવાબદારી ડેવલોપર્સની હશે.
કાપડની નિકાસ ક્ષેત્રે, ભારતનો નંબર સમગ્ર વિશ્વમાં છઠ્ઠો આવે છે. ટેક્સટાઇલ પાર્ક દ્વારા આ ક્ષેત્રમાં નિકાસ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલા માટે સરકાર ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક બનાવી રહી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આ અંતર્ગત, ઘણા ફેક્ટરી યુનિટ્સ એક જગ્યાએ સ્થાપિત થાય છે. કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત તમામ મૂળભૂત વસ્તુઓ જેવી કે ઉત્પાદન, બજાર જોડાણ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકાર આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરે છે.
ટેક્સટાઇલ પાર્કનો ઉદ્દેશ ટેક્સટાઇલ ક્ષેત્રે મોટા પાયે રોકાણ લાવવાનો છે. આ ઉદ્યાનોમાં કાપડ ઉદ્યોગ માટે સંકલિત સુવિધાઓ છે. આ સાથે, પરિવહનમાં નુકશાન ઘટાડવા માટે એક વ્યવસ્થા છે. આમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાન્ય સુવિધાઓ ઉપરાંત સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ છે. થ્રેડ મેકિંગ, ફેબ્રિક ડાઇંગ, સીવણ વગેરેથી લઇને તેમના પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન સુધી લોકોની મોટા પાયે આવશ્યકતા છે. આ સ્થિતિમાં ટેક્સટાઇલ પાર્ક વ્યાપકપણે રોજગારીનું સર્જન કરશે
હવે 1000 એકરમાં પાર્ક બનાવવામાં આવશે. સરકાર આમાં રોકાણ માટે પ્રોત્સાહનો આપશે. આ પ્રોત્સાહન બે હપ્તામાં બહાર પાડવામાં આવશે. પ્રથમ 60 ટકા અને બીજું 100 ટકા જ્યારે કામ થઈ જશે ત્યારે આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા સાથે, રોકાણકારોએ તેને જાળવવું પણ પડશે. આ પાર્ક 25-30 વર્ષ માટે આપી શકાય છે અને આ માટે તેઓ ત્યાં સ્થપાયેલી કંપનીઓ પાસેથી ફી પણ લઈ શકે છે. પ્રથમ તબક્કામાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની યોજના છે. જેના માટે પોર્ટની નિકટતા અને કાચા માલ અને પરિવહનની ઉપલબ્ધતા મુખ્ય રહેશે. સરકાર આ પાર્ક પર 4400 કરોડ જેટલું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.
મેગા ટેક્સટાઇલ પાર્કમાં કેવી સુવિધાઓ હશે?
કેન્દ્ર સરકારે મેગા ટેક્સટાઇલ પાર્ક માટે કોમન ફેસિલિટી, ઈન્ક્યુબેશન સેન્ટર, પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી, ફેકટરી સાઈડ, રોડ, પાવર, વોટર એન્ડ વેસ્ટ વોટર સિસ્ટમ, કોમન પ્રોસેસિંગ હાઉસ એન્ડ સીઈટીપી, ડિઝાઇન સેન્ટર, ટેસ્ટિંગ સેન્ટર, વર્કર હોસ્ટેલ એન્ડ હાઉસિંગ, લોજીસ્ટિક પાર્ક, વેરહાઉસ, મેડિકલ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની સુવિધાઓ આપવી પડશે.
1000 એકરમાં પથરાયેલા પાર્કમાં શું શું હશે?
- 50 ટકા જમીનનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ યુનિટો સ્થાપવા કરવાનો રહેશે
- 20 ટકા જમીનનો ઉપયોગ યુટીલિટી એટલે કે પાવર ,વોટર ઇટીપી,અને ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ માટે કરવો પડશે
- 5 ટકા લોજીસ્ટિક, આઇસીડી-બોન્ડેડ વેરહાઉસ માટે થશે
- 10 ટકા હોટેલ ક્ધવેન્શન સહિતની સુવિધાઓ માટે કરાશે
- 10 ટકા જમીનનો ઉપયોગ કામદારોના આવાસ,આરોગ્ય, હોસ્પિટલ સહિતની સુવિધા માટે કરવો પડશે
- 5 ટકા જમીનનો ઉપયોગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટી માટે થશે.
સુરતે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે રસ દાખવ્યો
કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે,7 મેગા ટેક્સટાઇલ એન્ડ એપેરલ પાર્ક માટે દેશના 10 રાજ્યોએ ઇન્ટરેસ્ટ દાખવ્યો છે. ગુજરાતમાં માત્ર સુરતે સરકારને પ્રપોઝલ મોકલી હતી. બીજા રાજ્યોમાં પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડીશા, તામિલનાડુ, આસામ, રાજસ્થાન અને કર્ણાટકે આ સ્કીમ માટે ઇન્ટરેસ્ટ લેટર મોકલ્યા છે. 7 પાર્ક માટે 10 રાજ્યો હોવાથી આ યોજનામાં તીવ્ર સ્પર્ધા થશે.