એજન્સીનાં અધિકારીઓ અને આર્કિટેક્ટ સહિતના ત્રણ સભ્યોની ટીમે સર્કિટ હાઉસમાં કર્યુ ટુંકુ રોકાણ: કલેકટરે સમગ્ર પ્રકરણ આરોગ્ય વિભાગને હવાલે કર્યું: જમીનનો કબ્જો સંભાળવા આગામી દિવસોમાં બીજી ટીમ આવશે
રાજકોટની ભાગોળે ખંઢેરી નજીક નિર્માણ પામનાર એઈમ્સ સંકુલની કામગીરી સંદર્ભે આજે એઈમ્સની ટીમ રાજકોટ આવી પહોચી છે. આ ટીમમાં એજન્સીનાં આર્કિટેક અને અધિકારી સહિત ૩ સભ્યો છે. જેઓએ સવારનાં સમયે સ્થળની વિઝીટ કરી હતી. આ દરમિયાન ટીમ દ્વારા કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.
એઈમ્સની ટીમ આજે સવારે રાજકોટ આવી પહોચી હતી ટીમમાં ત્રણ સભ્યોને સર્કિટ હાઉસ ખાતે ઉતારો દેવાયો છે. ટીમે સવારે થોડીવાર આરામ ફરમાવ્યો હતો બાદમાં સવારે ૧૦.૩૦ કલાકે અધિક કલેકટર પરિમલ પંડયા અને સિવીલ સર્જન સાથે એઈમ્સ સંકુલનાં સ્થળની વિઝીટ લીધી હતી. આ દરમિયાન તેઓએ જરૂરી વ્યવસ્થાની સમિક્ષા કરી સ્થાનિક અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે એઈમ્સની ટીમ રાજકોટ આવતા તે ટીમ જમીનનો કબજો સંભાળશે તેવી વાતો જાણવા મળી હતી જોકે જમીનનો કબ્જો સંભાળવા સંબંધીત આરોગ્ય વિભાગને લગતી પ્રક્રિયા સીવીલ સર્જનને પૂરી કરવા કલેકટરે જણાવ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હકિકતમાં આ પ્રોજેકટ આરોગ્ય વિભાગનો હોય, રાજયનાં અને કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે સંકલનની જવાબદારી સિવિલ સર્જનને સોંપવામા આવી છે.
એઈમ્સ સંકુલનું જે સ્થળે નિર્માણ થવાનું છે ત્યાં જમીન લેવલીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીથી પસારથતી વીજ લાઈનોનું શીફટીંગ પણ કરી દેવાયું છે. જમીનની સોંપણી માટે પેપર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. જમીનનો કબજો આ ટીમ સંભાળવાની નથી તેના માટે બીજી ટીમ આગામી દિવસોમાં આવવાની છે.